Weather Forecast: દેશના આ રાજ્યોમાં હાડ થીજાવતી ઠંડીની આગાહી, તો 7 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
Rain Alert:ભારતના મોટાભાગના રાજ્યોમાં હાલમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ઠંડી અને ગાઢ ધુમ્મસ વચ્ચે, હવામાન વિભાગે આજે વરસાદની ચેતવણી આપી છે.

Weather Forecast:ભારતના મોટાભાગના રાજ્યોમાં હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડી અને ધુમ્મસ વચ્ચે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી આપી છે. સોમવારે (29 ડિસેમ્બર) રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ ધુમ્મસની ચાદર જોવા મળી હતી.
ક્યાં ક્યાં વરસાદની શક્યતા છે?
હવામાન વિભાગના અહેવાલ મુજબ 31ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા છે. 29 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા કે વરસાદની શક્યતા છે.
તાપમાન કેવું રહેશે?
IMD અનુસાર, આગામી 24 કલાકમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે, ત્યારબાદ આગામી ત્રણ દિવસમાં 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા છે. મધ્ય અને પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં આગામી 24 કલાકમાં કોઈ ફેરફાર થવાની ધારણા નથી. જોકે, આગામી 2-3 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે. આ ઉપરાંત, દેશના અન્ય ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની ધારણા નથી.
કયા રાજ્યો ધુમ્મસથી પ્રભાવિત છે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 31 ડિસેમ્બર સુધી સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં આવી સ્થિતિ 1 જાન્યુઆરી સુધી ચાલુ રહી શકે છે. પૂર્વી મધ્ય પ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં 30 ડિસેમ્બર સુધી અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઓડિશામાં 1 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની સંભાવના છે.
આજે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં હાડ થીજાવતી ઠંડીની સંભાવના છે. 31 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી હિમાચલ પ્રદેશમાં કોલ્ડવેલની સંભાવના છે. 30 ડિસેમ્બરે પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં પણ કોલ્ડ વેવની ચેતવણી અપાઇ છે.




















