Brics Summit: PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે કાલે થશે દ્રિપક્ષીય બેઠક
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે છેલ્લી મુલાકાત ગયા વર્ષે 2023માં દક્ષિણ આફ્રિકામાં આયોજિત બ્રિક્સ સંમેલન દરમિયાન થઈ હતી.
Brics summit Bilateral meeting : પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે આવતીકાલે દ્વિપક્ષીય બેઠક થશે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, "હું પુષ્ટિ કરી શકું છું કે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આવતીકાલે બ્રિક્સ સમિટમાં દ્વિપક્ષીય બેઠક થશે."
ભારત અને ચીન વચ્ચે 2020 થી પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલી રહેલા વિવાદને લઈને સમજૂતી થઈ છે. ચીનના રાજદૂતો આજે (22 ઓક્ટોબર, 2024) ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓને મળ્યા હતા. બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી બાદ માનવામાં આવી રહ્યું છે કે બ્રિક્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની બેઠકમાં આ સમજૂતી પર ચર્ચા થઈ શકે છે.
પીએમ મોદી અને શી જિનપિંગ છેલ્લી વખત ક્યારે મળ્યા હતા ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે છેલ્લી મુલાકાત ગયા વર્ષે 2023માં દક્ષિણ આફ્રિકામાં આયોજિત બ્રિક્સ સંમેલન દરમિયાન થઈ હતી. તે પહેલા વર્ષ 2020માં બંને નેતાઓ G-20 સમિટ 2020માં મળ્યા હતા. જોકે, G-20માં બંને નેતાઓ વચ્ચે કોઈપણ પ્રકારની દ્વિપક્ષીય બેઠક થઈ નથી.
મોદીએ રશિયન રાષ્ટ્રપતિને ગળે લગાવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા મંગળવારે રશિયાના કઝાન શહેર પહોંચ્યા હતા, જ્યાં આજે તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવ્યા હતા. રશિયન રાષ્ટ્રપતિએ પીએમ મોદીને કહ્યું કે તેમની વચ્ચેના સંબંધો એટલા સારા અને ઊંડા છે કે પીએમ મોદી અનુવાદક વિના પણ તેમની વાત સમજી જાય છે. પીએમ મોદીએ છેલ્લા ચાર મહિનામાં ઘણી વખત રશિયાની મુલાકાત લીધી છે. આ પહેલા તે જુલાઈ મહિનામાં ગયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની દ્વિપક્ષીય બેઠક બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું, "મને યાદ છે કે અમે જુલાઈમાં મળ્યા હતા. ત્યારે ઘણા મુદ્દાઓ પર ખૂબ સારી ચર્ચા થઈ હતી. આજે પણ અમે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. અમે ઘણી વખત ફોન પર વાત કરી. હું ખૂબ જ ખુશ છું. આ માટે તમારો આભારી છું."
'રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થશે', જાણો કઝાનમાં મુલાકાત દરમિયાન શું બોલ્યા PM મોદી અને પુતિન ?