માયાવતીએ ફરી એક વખત ભત્રીજા આકાશ આનંદને બનાવ્યા ઉત્તરાધિકારી
બસપા સુપ્રીમો માયાવતીએ ફરી એકવાર પોતાના ભત્રીજા આકાશ આનંદને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા છે. તેમને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પણ બનાવવામાં આવ્યા છે.
Akash Anand News: બસપા સુપ્રીમો માયાવતીએ ફરી એકવાર પોતાના ભત્રીજા આકાશ આનંદને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા છે. તેમને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પણ બનાવવામાં આવ્યા છે અને આકાશ આનંદ ટૂંક સમયમાં રાષ્ટ્રીય કાર્યકારિણીનો ચાર્જ સંભાળશે. લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ બહુજન સમાજ પાર્ટીની મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં BSP સુપ્રીમો માયાવતી, તેમના ભત્રીજા આકાશ આનંદ અને તેમના ભાઈ આનંદ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર હતા. આ બેઠકમાં આકાશ આનંદને ફરીથી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા હતા.
BSP chief Mayawati has announced Akash Anand, (Mayawati's nephew) as her successor. Akash Anand will take charge of the national coordinator: BSP leader Lal Ji Medhankar pic.twitter.com/2xpdBslA9P
— ANI (@ANI) June 23, 2024
આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે બસપા ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં યોજાનારી પેટાચૂંટણીમાં ભાગ લેશે. આ મીટિંગમાં પહોંચતા જ આકાશ આનંદે બસપા સુપ્રીમો માયાવતીના ચરણ સ્પર્શ કર્યા હતા. આ દરમિયાન બસપા સુપ્રીમો માયાવતીએ તેમના માથા પર હાથ રાખ્યો અને તેમને આશીર્વાદ પણ આપ્યા હતા.
બસપા દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે 18મી લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ રાષ્ટ્રીય સ્તરે પાર્ટીની આ પહેલી મોટી બેઠક હતી. આ બેઠકમાં બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે આકાશ આનંદને પણ સંપૂર્ણ પરિપક્વતા સાથે પાર્ટીમાં કામ કરવાની ફરી તક આપવામાં આવી રહી છે. તેઓ પાર્ટીમાં તેમના તમામ હોદ્દાઓ પહેલાની જેમ જ ચાલુ રાખશે, એટલે કે તેઓ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તેમજ મારા એકમાત્ર અનુગામી રહેશે. તેમના વિશે, મને સંપૂર્ણ આશા છે કે હવે તેઓ ચોક્કસપણે તેમના પક્ષ અને આંદોલનના હિતમાં દરેક સ્તરે એક પરિપક્વ નેતા તરીકે ઉભરી આવશે. પાર્ટીના લોકો પણ તેમને પહેલા કરતા વધુ સન્માન આપીને તેમનું મનોબળ વધારશે. જેથી હવે તે ભવિષ્યમાં મારી બધી અપેક્ષાઓ પર ખરા ઉતરી શકે.
આ બેઠકમાં બસપાના નેતાઓને એમ પણ કહેવામાં આવ્યું હતું કે હાલમાં કેન્દ્રમાં ભાજપ અને તેની એનડીએ સરકાર સંપૂર્ણ રીતે સ્થિર નથી. તેમની સ્થિતિ ગમે ત્યારે અસ્થિર બની શકે છે. આવી સ્થિતિમાં, પાર્ટીના લોકોએ દેશભરમાં પાર્ટી સંગઠનમાં મિશનરી લોકોને પ્રોત્સાહન આપીને યુદ્ધના ધોરણે પાર્ટીના સમર્થનનો આધાર વધારવો પડશે. જેથી પાર્ટીને દરેક સ્તરે મજબૂત કરી શકાય. એટલું જ નહીં, લોકો, ખાસ કરીને ગરીબ અને નબળા વર્ગના લોકોને ચૂંટણીમાં કોઈને કોઈ મુદ્દા પર ગેરમાર્ગે દોરવામાં આવે છે, અને તેમના એકમાત્ર મિત્ર પક્ષ બસપાને નુકસાન પહોંચાડીને તેઓ તેમનું શોષણ કરતી પાર્ટીને સત્તામાં લાવે છે. આ બિલકુલ યોગ્ય નથી અને પાર્ટીના લોકોએ આ અંગે ચોક્કસથી વિચારવું જોઈએ.