(Source: ECI/ABP News/ABP Majha)
વિચિત્ર કિસ્સોઃ પ્રેમી પંખીડાઓને પરિવારજનોએ લગ્નની ના પાડી તો જંગલમાં ઝાડ પર લટકીને આત્મહત્યા કરી, મૃત્યુ બાદ પુરી કરાઇ ઇચ્છા
આ પ્રેમી પંખીડા વચ્ચે કેટલાક વર્ષોથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. જ્યારે બંનેએ આ વાત તેમના પરિવારજનોને જણાવી ત્યારે તેમના પરિવારજનોએ તેમના સંબંધને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો,
Chhattisgarh News: છત્તીસગઢ રાજ્યમાંથી એક વિચિત્ર પ્રેમ પ્રકરણનો કિસ્સો સામે આવ્યો છે. છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં એક પ્રેમી યુગલે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. 12મા ધોરણમાં ભણતા આ પ્રેમી યુગલ મોતને ભેટી ગયુ કારણ કે તેમના પરિવારના સભ્યો તેમના લગ્નની વિરુદ્ધમાં હતા, અને બન્નેના લગ્ન કરાવવાની ના પાડતા હતા.
આ પ્રેમી પંખીડા વચ્ચે કેટલાક વર્ષોથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. જ્યારે બંનેએ આ વાત તેમના પરિવારજનોને જણાવી ત્યારે તેમના પરિવારજનોએ તેમના સંબંધને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો, અને એકબીજાને મળવાથી પણ રોકી દીધા હતા. તેમજ તેમના અભ્યાસમાં ધ્યાન આપવા જણાવ્યું હતું. આ પછી પ્રેમી યુગલે ઘરથી થોડે દૂર ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી.
જોકે, પ્રેમી પંખીડાની ઇચ્છા હતી તે પ્રમાણે તેમના મૃત્યુ બાદ થયુ, ગામલોકો અને તેમના પરિવારજનોએ તેમની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા માટે એક જ ચિતા પર દંપતિના અંતિમ સંસ્કાર કર્યા. જણાવવામાં આવી રહ્યું છે કે યુવક અને યુવતી બંને એક જ ગામ અને એક જ પરાના રહેવાસી હતા. તેથી જ ગામલોકોએ તેમને બાળપણથી જ સાથે મોટા થતા જોયા છે. આવી સ્થિતિમાં તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે ગ્રામવાસીઓએ તેમના પરિવારોને તેમનામાંથી એકની ચિતા પર અગ્નિદાહ આપવા કહ્યું. આ પછી બંનેના એક સાથે એક જ ચિતા પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દંતેવાડામાં આ પ્રકારનો પહેલો કિસ્સો છે જ્યારે કોઈ પ્રેમી યુગલને તેમની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે એક જ ચિતા પર અગ્નિદાહ આપવામાં આવ્યો હોય.
પરિવારજનો આ સંબંધોથી હતા નારાજ
છત્તીસગઢના દંતેવાડા જિલ્લા પોલીસ સબ-ડિવિઝનલ ઓફિસર આશારાનીએ જણાવ્યું હતું કે જિલ્લાના ગીદામ બ્લોકના જાવાંગા ગામમાં 18 વર્ષના છોકરા અને 17 વર્ષની છોકરી વચ્ચે થોડા વર્ષોથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. બંને એકબીજા સાથે લગ્ન કરવા પણ ઈચ્છતા હતા, જ્યારે તેમના પરિવારને આ વાતની જાણ થઈ તો તેઓએ એકબીજા સાથે વાત કરવાની ના પાડી દીધી અને માત્ર અભ્યાસમાં ધ્યાન આપવાનું કહ્યું. જેનાથી નારાજ થઈને બંનેએ આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી બંનેએ ગામની નજીક આવેલા જંગલના ઝાડ પર એક જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તે જ ગામના કેટલાક ગ્રામજનોએ બંનેના મૃતદેહ જંગલમાં લટકતા જોયા અને પછી આ અંગે તેમના પરિવારજનો અને ગામના અન્ય ગ્રામજનોને જાણ કરી અને પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.