રીલ માટે આટલું ગાંડપણ? બાલ્કનીમાંથી ૨ વર્ષના બાળકને નીચે કૂદાવ્યો, સોશિયલ મીડિયા પર લોકોએ લીધા આડેહાથ!
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ચોંકાવનારા વીડિયોમાં 2 થી 3 વર્ષનું બાળક બાલ્કનીમાંથી કૂદતું દેખાય છે; લોકોએ આ ઘટનાને અત્યંત બેજવાબદારીભરી ગણાવીને કડક કાર્યવાહીની માંગ કરી.

Child Safety Video: આજકાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. હાલમાં જ X (અગાઉનું ટ્વિટર) પર એક એવો ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઊભા થઈ જાય. આ વીડિયોમાં માત્ર વ્યુઝ અને લાઇક્સ મેળવવા માટે એક પિતા પોતાના 2 થી 3 વર્ષના માસૂમ બાળકને 1લા માળની બાલ્કનીમાંથી નીચે કૂદવા માટે પ્રોત્સાહિત કરતો જોવા મળે છે. ભલે નીચે ગાદલું પાથરેલું હતું, પરંતુ આ ખતરનાક સ્ટંટ જોઈને ઇન્ટરનેટ પર લોકોનો ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકો આ હરકતને અત્યંત બેજવાબદારીભરી ગણાવી રહ્યા છે અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
શું છે આ વાયરલ વીડિયોમાં?
આ રૂવાડાં ઊભા કરી દે તેવા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, લગભગ 2 થી 3 વર્ષનું એક નાનું બાળક 1લા માળની બાલ્કનીની રેલિંગ પર એકદમ કિનારે સંતુલન જાળવીને ઊભું છે. તે તાળીઓ પાડી રહ્યું છે અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર એક વ્યક્તિ (જે પિતા હોવાનું મનાય છે) પોતાના બંને હાથ ફેલાવીને બાળકને નીચે કૂદવા માટે કહી રહ્યો છે. થોડી જ વારમાં તે માસૂમ બાળક નીચે કૂદકો મારે છે. તે વ્યક્તિ બાળકને પોતાના હાથમાં તો ઝીલી લે છે, પરંતુ બાળક લપસીને નીચે પાથરેલા ગાદલા પર પડે છે. આ ગાદલું વીડિયોમાં પાછળથી સ્પષ્ટ દેખાય છે. ત્યારબાદ તે વ્યક્તિ બાળકને ઉપાડીને હવામાં હળવેથી ઉછાળે છે અને બંને હસતા જોવા મળે છે.
"માત્ર એક રીલ માટે આવું જોખમ?" - લોકો ભડક્યા
આ વીડિયો વાયરલ થતાં જ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. સોશિયલ મીડિયા પર આ ક્લિપને લઈને જોરદાર પ્રતિક્રિયાઓ આવી રહી છે:
એક યુઝરે ગુસ્સો ઠાલવતા લખ્યું, "એક રીલ માટે કોઈપણ હદે જવાનું? આ તો મૂર્ખામી છે."
મોટાભાગના લોકો બાળક પર ઊભા કરાયેલા આ મોટા જોખમ વિશે વાત કરી રહ્યા છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરી, "થોડીક રીલ્સ માટે આ લોકો પોતાના જ બાળકના જીવને જોખમમાં મૂકી રહ્યા છે."
તો અન્ય એક યુઝરે આજકાલના ટ્રેન્ડ પર કટાક્ષ કરતા લખ્યું, "આજના માતા-પિતાએ પોતાના જ બાળકોને માત્ર કન્ટેન્ટ મટિરિયલમાં ફેરવી દીધા છે."
रील के लिए किसी भी स्तर तक जा रहे हैं
— Shubham Shukla (@Shubhamshuklamp) April 10, 2026
मूर्ख
pic.twitter.com/XeJ3cvCs6t
"આ ગંભીર ગુનો છે, FIR નોંધો!"
કેટલાક લોકોએ બાળકના વિશ્વાસની વાત કરતા કહ્યું કે, "બાળકને તેના પિતા પર કેટલો અતૂટ વિશ્વાસ છે! પરંતુ આ રીતે બાળકના જીવને જોખમમાં મૂકવો બિલકુલ યોગ્ય નથી." લોકો કડક શબ્દો વાપરીને આ વ્યક્તિને 'મહામૂર્ખ' ગણાવી રહ્યા છે.
ઘણા યુઝર્સે તો આ મામલે કાનૂની ચિંતા પણ વ્યક્ત કરી છે. એક યુઝરે લખ્યું, "આ માત્ર ખોટું જ નથી, પરંતુ કાયદાકીય જોગવાઈઓ હેઠળ આ એક ગંભીર ગુનો પણ છે." કેટલાક લોકોએ તો પોલીસને સીધી FIR નોંધવાની માંગણી કરી છે. લોકોનું કહેવું છે કે, અજ્ઞાની અને બેશરમ લોકો માટે સોશિયલ મીડિયા હવે માત્ર પૈસા અને ખ્યાતિ કમાવવાનું માધ્યમ બની ગયું છે. હાલમાં આ વીડિયો ઓનલાઈન ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને સસ્તા અટેન્શન માટે લેવાતા આવા જીવલેણ જોખમો સામે લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.





















