શોધખોળ કરો
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવ, રાજ્યના સાત શહેરમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન, 4 ડિગ્રીમાં નલિયા ઠુંઠવાયું
હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે બે દિવસ બાદ ફરીથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે અને ઠંડી ઘટશે.

દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહી છે. ચાર ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે ગગડીને 9.9 ડિગ્રી સુધી પહોંચ્યો છે. ગાંધીનગરમાં ઠંડીનો પારો 8.2 ડિગ્રી સુધી પહોંચ્યો છે તો ડિસામાં ઠંડીનો પારો 8.8 ડિગ્રી, રાજકોટમાં 9.6 ડિગ્રી, કેશોદમાં આઠ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. સુરતમાં ઠંડીનો પારો 12.6 ડિગ્રી, વડોદરામાં 11.4 ડિગ્રી, વલસાડમાં 10 ડિગ્રી, ભાવનગરમાં 11.7 ડિગ્રી, અમરેલીમાં 11.8 ડિગ્રી, પોરબંદરમાં 10.5 ડિગ્રી, સુરેંદ્રનગરમાં ઠંડીનો પારો 12 ડિગ્રી પર પહોંચ્યો છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે બે દિવસ બાદ ફરીથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે અને ઠંડી ઘટશે. બીજી બાજુ ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં સતત વરસી રહેલી હિમવર્ષા જનજીવનને માઠી અસર પહોંચાડી રહી છે. સતત વરસી રહેલી હિમવર્ષાથી સતત ચારેય તરફ બરફની ચાદર છવાઈ છે. તો હિમ વર્ષા નવા નવા રેકોર્ડ પણ સર્જી રહ્યું છે. જમ્મુ-કશ્મીરમાં અત્યાર સુધી વરસેલી હિમવર્ષાએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જમ્મુ-કશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી ચારેય તરફ બરફની ચાદર ઠંકાઈ ગઈ છે અને તાપમાન માઈનસ 10 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. પંજાબમાં પણ થોડા દિવસ અગાઉ અમૃતસર સહિતના શહેરોમાં ઠંડીનો પારો 1.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે તો રાજસ્થાનમાં પણ ઉદયપુર સહિતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો પારો ચાર ડિગ્રી સુધી નોંધાયો છે. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો માઈનસ ત્રણ ડિગ્રી સુધી પહોંચી ગયો છે.
વધુ વાંચો





















