Controversy : ફિલ્મ 'આદિપુરૂષ'ને લઈ કેન્દ્ર સરકારે પહેલીવાર તોડ્યું મૌન, સર્જકોને આડકતરી ચેતવણી
ફિલ્મ 'આદિપુરુષ' પર ઉભો થયો વિવાદ જાણે શાંત પડવાનું નામ જ નથી લઈ રહ્યો. ભારે વિવાદ થતા ફિલ્મના લેખક અને દિગ્દર્શકે પણ ફિલ્મના ડાયલોગ બદલવાની ખાતરી આપી છે.
Bollywood Film Controversy : ફિલ્મ 'આદિપુરુષ' પર ઉભો થયો વિવાદ જાણે શાંત પડવાનું નામ જ નથી લઈ રહ્યો. ભારે વિવાદ થતા ફિલ્મના લેખક અને દિગ્દર્શકે પણ ફિલ્મના ડાયલોગ બદલવાની ખાતરી આપી છે. તો બીજી બાજુ આ હોબાળા વચ્ચે પહેલી જ વાર કેન્દ્ર સરકારની પ્રતિક્રિયા પણ સામે આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ ફિલ્મને લઈને કડક વલણ દાખવ્યું છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ફિલ્મ આદિપુરૂષ પરના વિવાદને લઈને કહ્યું હતું કે, 'કોઈને પણ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથી'. મને અહેવાલ મળ્યા છે કે, નિર્માતાઓએ ડાયલોગ બદલવાનો નિર્ણય લીધો છે. ઠાકુરે મુંબઈમાં આ વાત કહી. જાહેર છે કે, વિવાદાસ્પદ ફિલ્મ આદિપુરુષના નિર્માતાઓએ કેટલાક સંવાદો બદલવાનો નિર્ણય કર્યો છે. આ માહિતી ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરે રવિવારે આપી હતી.
તેમણે કહ્યું કે આ અઠવાડિયા સુધીમાં બદલાયેલા સંવાદો ફિલ્મમાં ઉમેરવામાં આવશે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામ, કૃતિ સેનન માતા સીતા અને સૈફ અલી ખાન લંકાપતિ રાવણની ભૂમિકામાં છે. 'આદિપુરુષ' હિન્દી, તેલુગુ, કન્નડ, મલયાલમ અને તમિલ ભાષાઓમાં રિલીઝ થઈ છે.
આ અંગે CBFC દ્વારા આપવામાં આવેલ નિર્ણય તેમનું કામ છે. ફિલ્મના નિર્માતા-નિર્દેશક અને લેખકે ડાયલોગ બદલવાની વાત કરી છે. કોઈને કોઈની લાગણી દુભાવવાનો અધિકાર નથી. તેમ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું.
આદિપુરુષના વિરોધમાં કાઠમંડુમાં હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ
હિન્દી ફિલ્મ 'આદિપુરુષ'માં સીતાના વિવાદાસ્પદ સંવાદ અને ચિત્રણના વિરોધમાં નેપાળની રાજધાની કાઠમંડુએ સોમવારથી તમામ હિન્દી ફિલ્મોના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. કાઠમંડુના મેયર બલેન્દ્ર શાહે કાઠમંડુ મેટ્રોપોલિટન રિજન (KMC)માં તમામ હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયનો બચાવ કર્યો છે અને કહ્યું હતું કે, ડાયલોગ હટાવ્યા વિના ફિલ્મ 'આદિપુરુષ'નું સ્ક્રીનિંગ 'પૂરી ન શકાય તેવું નુકસાન' કરશે. અમે ત્રણ દિવસ પહેલા ફિલ્મમાંથી 'સીતા માતા ભારત કી બેટી હૈ' ડાયલોગ હટાવવા માટે કહ્યું હતું.
અયોધ્યાના સંતોએ આદિપુરુષ પર પ્રતિબંધની માંગ
'આદિપુરુષ'ના સંવાદોથી નારાજ અયોધ્યાના સંતોએ તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. એક વર્ષમાં આ બીજી વખત છે જ્યારે સંતોએ ફિલ્મ સામે અવાજ ઉઠાવ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં સંતોએ ફિલ્મના ટ્રેલર સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, ફિલ્મમાં રામાયણના પાત્રોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે અને હિંદુ દેવતાઓને વિકૃત રીતે દર્શાવવામાં આવ્યા છે. રામજન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે, અગાઉ વિરોધ છતાં ફિલ્મ નિર્માતાઓએ રામાયણના પાત્રોને ખોટી રીતે રજૂ કર્યા છે અને હિંદુ દેવી-દેવતાઓને વિકૃત રીતે દર્શાવ્યા છે. આ સંવાદો શરમજનક છે અને ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.