સ્તનપાન કરાવતી માતાએ ન લેવી જોઈએ રસી ? કોરોના રસી લેવાથી નપુંસકતા આવી જાય છે ? મોદી સરકારે શું કર્યો ખુલાસો
નેશનલ એક્સપર્ટ ગ્રૂપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19 (એનઈજીવીએસી)એ સ્તનપાન કરાવતી તમામ મહિલાઓ માટે પણ કોવિડ-19 રસીકરણની ભલામણ કરી છે
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનાને નાથવા રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કોવિડ-19 રસીને કારણે વંધ્યત્વ સંબંધે ચિંતાઓ વ્યક્ત કરતા અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે કોવિડ-19 રસીકરણ સલામત છે કે કેમ એ અંગેના અહેવાલો આવ્યા છે. જે બાદ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ચોખવટ કરી છે કે ઉપલબ્ધ રસીઓમાંની કોઈપણ રસી પુરુષો કે મહિલા બેમાંથી એકેયની ફળદ્રુપતાને અસર કરતી નથી. કારણ કે તમામ રસીઓ અને એના ઘટકોનું પહેલાં પ્રાણીઓ પર અને બાદમાં માનવો પર કોઈ આડઅસર છે કે નહીં તે નક્કી કરવા પરીક્ષણ કરાયું હતું. રસીઓની સલામતી અને અસરકારકતાની ખાતરી થયા બાદ જ આ રસીઓને વપરાશ માટે અધિકૃત કરવામાં આવે છે.
નેશનલ એક્સપર્ટ ગ્રૂપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19 (એનઈજીવીએસી)એ સ્તનપાન કરાવતી તમામ મહિલાઓ માટે પણ કોવિડ-19 રસીકરણની ભલામણ કરી છે અને આને સલામત ગણાવતા કહ્યું છે કે રસીકરણ પહેલાં કે પછી, સ્તનપાન બંધ કરી દેવાની કે અટકાવી દેવાની કોઇ જ જરૂર નથી.
#COVID19Vaccination: Myths vs. Facts
— PIB India (@PIB_India) June 30, 2021
No scientific evidences found linking COVID19 vaccination with infertility in men and women
COVID-19 vaccination is recommended for all lactating women
Read here: https://t.co/QHMdcmz9K8
કોવિડ-19 રસીકરણને કારણે વંધ્યત્વ બાબતે પ્રવર્તતી ખોટી માન્યતાઓ પર અંકુશ લાવવા માટે, ભારત સરકારે ચોખવટ કરી છે કે કોવિડ-19 રસીકરણ પુરુષો અને મહિલાઓમાં વંધ્યત્વ લાવી શકે છે એવું સૂચવતા કોઇ પણ વૈજ્ઞાનિક પુરાવાઓ નથી. રસીઓ સલામત અને અસરકારક માલૂમ પડી છે.
નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઈમ્યુનાઇઝેશન (એનટીએજીઆઇ)ના કોવિડ-19 કાર્યકારી ગ્રૂપના અધ્યક્ષ ડૉ. એન.કે. અરોરાએ આવા આક્ષેપો અને દહેશતોને રદિયો આપ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં અને વિદેશમાં પોલિયોની રસી આપવા દરમ્યાન પણ એવી ખોટી માહિતી ઊભી કરવામાં આવી હતી કે રસી લેનારા બાળકોને ભવિષ્યમાં વંધ્યત્વનો સામનો કરવો પડશે. તેમણે ખાતરી આપી હતી કે તમામ રસીઓ સઘન વૈજ્ઞાનિક સંશોધનોમાંથી પસાર થાય છે અને આમાંની કોઇ પણ રસીમાં આ પ્રકારની આડઅસર નથી.