Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
Mahakumbh 2025: પ્રયાગરાજમાં મહાકુંભ 2025 શરૂ થઈ ગયો છે. મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો માનવ મેળો છે

Mahakumbh 2025: પ્રયાગરાજમાં મહાકુંભ 2025 શરૂ થઈ ગયો છે. મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો માનવ મેળો છે. આ ધાર્મિક કાર્યક્રમમાં લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ પહોંચશે તેવી અપેક્ષા છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ મહાકુંભથી 2 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની આશા વ્યક્ત કરી છે. CAT ના રાષ્ટ્રીય મહાસચિવ અને ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે મહાકુંભ ભારત અને વિશ્વમાં અર્થતંત્રનું સૌથી મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
આ ધાર્મિક કાર્યક્રમ પ્રયાગરાજ અને આસપાસના શહેરોમાં વ્યવસાયને મોટો વેગ આપશે. રેલવે, એરલાઇન ક્ષેત્ર અને રોડ ટ્રાન્સપોર્ટને પણ મોટી આવક થવાની શક્યતા છે. ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભ દરમિયાન મોટા પાયે આર્થિક અને વ્યાપારિક પ્રવૃત્તિઓ થશે. એક અંદાજ મુજબ, ધાર્મિક યાત્રા પર પ્રતિ વ્યક્તિ 5,000 રૂપિયા ખર્ચ કરવાથી આ આંકડો 2 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ જશે. પાંચ હજાર રૂપિયામાં હોટલ, ધર્મશાળા, અસ્થાયી રોકાણ, ભોજન, પૂજા સામગ્રી, આરોગ્ય સંભાળ અને અન્ય વસ્તુઓનો ખર્ચ સામેલ છે.
મહાકુંભ 2025 દરમિયાન વ્યાપારિક સંભાવના ક્યાં છે?
રહેઠાણ અને પર્યટન: સ્થાનિક હોટલ, ધર્મશાળાઓ અને રહેવાની સુવિધાઓમાં 40,000 કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની ક્ષમતા છે.
ખાદ્ય અને પીણાં: પેકેજ્ડ ખાદ્ય પદાર્થો, પાણી, બિસ્કિટ, જ્યુસ અને ખોરાકથી 20,000 કરોડ રૂપિયા સુધીનો વેપાર થશે.
પૂજા સામગ્રી અને પ્રસાદ: તેલ, દીવા, ગંગાજળ, મૂર્તિઓ, અગરબત્તીઓ, ધાર્મિક પુસ્તકો વગેરેના વેચાણથી 20,000 કરોડ રૂપિયાનો વ્યવસાય થશે.
પરિવહન અને લોજિસ્ટિક્સ: સ્થાનિક અને આંતરરાજ્ય પરિવહન, માલવાહક અને ટેક્સી સેવાઓ 1૦,૦૦૦ કરોડ રૂપિયાનો વ્યવસાય પેદા કરશે.
પ્રવાસન સેવાઓ: ટૂર ગાઇડ, ટ્રાવેલ પેકેટ અને પ્રવાસન સેવાઓ 1૦,૦૦૦ કરોડ રૂપિયાનો વ્યવસાય થવાનો અંદાજ છે.
હસ્તશિલ્પ અને સ્મૃતિ ચિન્હ: સ્થાનિક ઉત્પાદનો, કપડાં, ઝવેરાત અને સ્મૃતિ ચિન્હોથી 5,000 કરોડ રૂપિયાની આવક થવાની સંભાવના છે.
આરોગ્ય અને તબીબી સેવાઓ: કામચલાઉ તબીબી શિબિરો, આયુર્વેદિક ઉત્પાદનો અને દવાઓ 3,000 કરોડ રૂપિયાનો બિઝનેસ થાય તેવી સંભાવના છે
ખંડેલવાલે કહ્યું હતું કે, "મહાકુંભ આસ્થા અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે અને તે ભારતની સાંસ્કૃતિક અને આર્થિક શક્તિનું પ્રતીક પણ છે. મહાકુંભ ભારતના ધાર્મિક અર્થતંત્રને વેગ આપશે અને ઉત્તર પ્રદેશને વિશ્વમાં સાંસ્કૃતિક પર્યટનનું કેન્દ્ર બનાવશે."
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
