શું જજ વિરૂદ્ધ FIRનો આદેશ આપી શકે છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર? જાણો કેટલો હોય છે પાવર
જગદીપ ધનખરે ન્યાયાધીશ યશવંત વર્મા મામલે ઉઠાવ્યો સવાલ, સુપ્રીમ કોર્ટની સલાહ પર પણ વ્યક્ત કર્યો વાંધો.

Vice President Power FIR Judge: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તાજેતરમાં ન્યાયપાલિકાને લઈને આપેલા કેટલાક નિવેદનોને કારણે ચર્ચામાં છે. ખાસ કરીને ન્યાયાધીશ યશવંત વર્માના ઘરે રોકડ મળી આવવાના મામલે FIR દાખલ ન થવા અંગે તેમણે ઉઠાવેલો પ્રશ્ન અને સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલોને બિલ મંજૂર કરવા માટે સમયમર્યાદા નક્કી કરવા અંગે વ્યક્ત કરેલો વાંધો મુખ્ય મુદ્દા બન્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે સવાલ ઉઠી રહ્યો છે કે શું ઉપરાષ્ટ્રપતિ કોઈ ન્યાયાધીશ વિરુદ્ધ FIR કરવાનો આદેશ આપી શકે છે? ચાલો આ અંગેના કાયદાકીય પાસાઓ પર નજર કરીએ.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ગઈકાલે સુપ્રીમ કોર્ટની એ સલાહ સામે ગંભીર વાંધો ઉઠાવ્યો હતો જેમાં કોર્ટે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને બિલને મંજૂરી આપવા માટે એક સમયમર્યાદા નક્કી કરી હતી. ઉપરાષ્ટ્રપતિએ કડક શબ્દોમાં કહ્યું હતું કે અદાલતો રાષ્ટ્રપતિને આદેશ આપી શકે નહીં. તેમણે એમ પણ કહ્યું કે બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ કોર્ટને આપવામાં આવેલી વિશેષ શક્તિઓ લોકશાહીની શક્તિઓ વિરુદ્ધ 'પરમાણુ મિસાઈલ' બની ગઈ છે અને ન્યાયાધીશોએ 'સુપર સંસદ'ની જેમ કામ કરવાનું શરૂ કર્યું છે.
આ વિવાદની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ન્યાયાધીશ યશવંત વર્માના કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો અને પ્રશ્ન પૂછ્યો હતો કે તેમના ઘરેથી રોકડ મળી આવી હોવા છતાં આ મામલે FIR કેમ નોંધવામાં આવી નથી? આ પ્રશ્ન બાદ લોકોમાં એ જાણવાની ઉત્સુકતા જાગી છે કે કોઈ ન્યાયાધીશ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ કોણ આપી શકે અને શું ઉપરાષ્ટ્રપતિ પાસે આવી સત્તા છે?
કોણ ન્યાયાધીશ વિરુદ્ધ FIR દાખલ કરી શકે છે:
જ્યારે જસ્ટિસ યશવંત વર્માનો મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે પણ આ સવાલ ઉઠ્યો હતો કે શું કોઈ જજ વિરુદ્ધ FIR દાખલ થઈ શકે છે? અને જો હા, તો તેની નોંધણી કોણ કરાવી શકે? નિયમો અનુસાર, જો ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ને લાગે છે કે કોઈ ન્યાયાધીશ વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો પ્રથમ દ્રષ્ટિએ સાચા લાગે છે, તો તેઓ આ મામલે FIR નોંધવા માટે પોલીસને પરવાનગી આપવા અંગે ભારતના રાષ્ટ્રપતિને સલાહ આપી શકે છે. આ સમગ્ર પ્રક્રિયાને 'ઇન-હાઉસ પ્રોસેસ' કહેવામાં આવે છે. આ ઇન-હાઉસ તપાસની જવાબદારી CJIની હોય છે.
શું ઉપરાષ્ટ્રપતિ ન્યાયાધીશ વિરુદ્ધ FIRનો આદેશ આપી શકે છે?
ઉપરાષ્ટ્રપતિ દ્વારા કોઈ ન્યાયાધીશ સામે FIR કરવાનો આદેશ આપવા અંગે કાયદામાં આવો કોઈ સ્પષ્ટ નિયમ કે જોગવાઈ નથી. બંધારણીય રીતે, કોઈ જજ વિરુદ્ધ FIR દાખલ કરવી હોય તો જ્યાં સુધી ભારતના મુખ્ય ન્યાયાધીશ આ અંગે રાષ્ટ્રપતિને તેમની સલાહ ન આપે ત્યાં સુધી ન્યાયાધીશ વિરુદ્ધ કોઈ FIR દાખલ કરી શકાતી નથી. અહીં એ નોંધવું પણ જરૂરી છે કે ભલે CJI દ્વારા રાષ્ટ્રપતિને સલાહ આપવામાં આવે, પરંતુ રાષ્ટ્રપતિ CJIના આદેશનું પાલન કરવા માટે કાયદેસર રીતે બંધાયેલા નથી. તેઓ આ મામલે પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી શકે છે.
આમ, કાયદાકીય રીતે કોઈ ન્યાયાધીશ વિરુદ્ધ FIR દાખલ કરવાની પ્રક્રિયામાં ભારતના મુખ્ય ન્યાયાધીશ અને રાષ્ટ્રપતિની ભૂમિકા મુખ્ય હોય છે. ઉપરાષ્ટ્રપતિ પાસે સીધો કોઈ ન્યાયાધીશ વિરુદ્ધ FIR કરવાનો આદેશ આપવાની સત્તા નથી. જોકે, જાહેર મંચ પરથી તેમણે ઉઠાવેલો આ પ્રશ્ન ચોક્કસપણે ચર્ચાનો વિષય બન્યો છે.





















