ED : રાબડી બાદ હવે તેજસ્વી-દિકરીઓ પર ત્રાટકી ED, RJDના નેતાઓના ઘરે પણ દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ IRCTC કૌભાંડના સંબંધમાં ત્રણ રાજ્યોમાં 15 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. બિહારના પટનામાં આરજેડી નેતા અબુ દોજાના ઘર પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
CM Tejashwi Yadav Delhi Residance : નોકરીના બદલામાં જમીન કેસમાં બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવના દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ત્રાટકી હતી. ઈડીએ અહીં દરોડા પાડ્યા હતાં. રાજધાનીમાં ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની સ્થિત આરજેડી નેતાના ઘરે EDના અધિકારીઓએ સવારે 8.30 વાગ્યે દરોડા પાડવાની શરૂઆત કરી હતી. આ સાથે એજન્સીએ તપાસના સંબંધમાં બિહારના અનેક શહેરોમાં પણ દરોડા પાડ્યા છે.
ED બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદની ત્રણ પુત્રીઓ અને રાષ્ટ્રીય જનતા દળના નેતાઓના ઘર પર દરોડા પાડી રહી છે. જ્યારે ED અધિકારીઓએ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સમાજવાદી પાર્ટીના નેતા જીતેન્દ્ર યાદવના ઘરે પણ દરોડા પાડ્યા હતા. જિતેન્દ્ર યાદવ લાલુ પ્રસાદ યાદવની પુત્રી રાગિણીના પતિ છે.
ત્રણ રાજ્યોમાં 15 સ્થળો પર દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ IRCTC કૌભાંડના સંબંધમાં ત્રણ રાજ્યોમાં 15 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. બિહારના પટનામાં આરજેડી નેતા અબુ દોજાના ઘર પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. EDના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પટના, ફુલવારીશરીફ, દિલ્હી-એનસીઆર, રાંચી અને મુંબઈમાં લાલુ પ્રસાદની પુત્રીઓ રાગિણી યાદવ, ચંદા યાદવ અને હેમા યાદવ અને રાજદના પૂર્વ ધારાસભ્ય અબુ દોજાના સાથે સંકળાયેલા મકાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
2004 અને 2009 વચ્ચેનો કેસ
આ મામલો 2004 થી 2009 ની વચ્ચે રેલ્વે મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમના પરિવારને ભેટ તરીકે જમીન મેળવવા અથવા તેને વેચવાના બદલામાં રેલ્વેમાં કથિત નોકરી સાથે સંબંધિત છે. સીબીઆઈએ લાલુ પ્રસાદ, તેમની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને અન્ય 14 સામે ગુનાહિત ષડયંત્ર અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે અને તમામ આરોપીઓને 15 માર્ચે સમન્સ પાઠવ્યા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. .
લાલુ-રાબડી દેવીની પૂછપરછ કરાઈ ચુકી છે
EDનો કેસ PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ નોંધાયેલી CBI ફરિયાદ પરથી ઊભો થયો છે. સીબીઆઈએ હાલમાં જ આ મામલે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ અને તેમની પત્ની રાબડી દેવીની પૂછપરછ કરી છે.
નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં EDના દરોડા પર પ્રતિક્રિયા આપતા આરજેડીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. આરજેડીના પ્રવક્તા ઉદય નારાયણ ચૌધરીએ કહ્યું હતું કે, અમે ED અને CBIથી ડરતા નથી. આગામી 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપીના ઈશારે આ કરવામાં આવ્યું છે. તમે લાલુ અને તેજસ્વીને જેટલા દબાવશો, તેટલા જ તેઓ બહાર આવશે.