ચાર રાજ્યોમાં સરકાર બનાવવાને લઈ PM મોદીના આવાસ પર બેઠક, અમિત શાહ અને જેપી નડ્ડા હાજર
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં સરકારની રચનાને લઈને આ બેઠકમાં પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષ સામેલ છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક મોટી બેઠક યોજાઈ રહી છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં સરકારની રચનાને લઈને આ બેઠકમાં પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષ સામેલ છે. 10 માર્ચે ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં જીત મેળવી હતી. ભાજપ આ રાજ્યોમાં સરકાર બનાવવા માટે સતત બેઠકો કરી રહ્યું છે.
ઉત્તરાખંડ અને મણિપુરમાં સરકારની રચનાને લઈને આજે દિલ્હીમાં મોટી બેઠકો યોજાઈ હતી. પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડથી દિલ્હી પહોંચ્યા હતા. ઉત્તરાખંડમાં સરકારને લઈને દિલ્હીમાં મંથન થયું. રાજ્યના અનેક નેતાઓએ જેપી નડ્ડા, બીએલ સંતોષ, પુષ્કર ધામી સાથે બેઠક કરી હતી. બેઠક પહેલા પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, "અમે પાર્ટીની બેઠકમાં હાજરી આપવા માટે આવ્યા છીએ. પાર્ટી હાઈકમાન્ડ ઉત્તરાખંડના મુખ્યમંત્રીના નિર્ણયના મુદ્દા પર વિચાર કરશે અને તેમનો નિર્ણય અંતિમ રહેશે."
વાસ્તવમાં, ઉત્તરાખંડમાં 70માંથી 47 બેઠકો મેળવનાર ભાજપે હજુ મુખ્યમંત્રીનું નામ નક્કી કરવાનું બાકી છે. પુષ્કર સિંહ ધામી પોતે ખટીમા સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. જો કે સીએમ તરીકે તેમનું નામ મોખરે ચાલી રહ્યું છે. આ સિવાય મિનિસ્ટર ધન સિંહ રાવત, મિનિસ્ટર સતપાલ મહારાજ, પૂર્વ સીએમ બીસી ખંડુરીની દીકરી રિતુ ખંડુરી ભૂષણ, મિનિસ્ટર ગણેશ જોશીના નામ પણ ચર્ચામાં છે.
ગોવામાં હજુ સુધી સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવ્યો નથી
ભારતીય જનતા પાર્ટી (BJP) એ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના પાંચ દિવસ પછી પણ ગોવામાં આગામી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો નથી. રાજ્યના કાર્યવાહક મુખ્યમંત્રી પ્રમોદ સાવંત આજે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા દિલ્હી આવ્યા હતા. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે ભાજપના ગોવા એકમના ધારાસભ્ય દળની બેઠક યોજાય તેવી શક્યતા છે. વિધાયક દળના નેતા રાજ્યના આગામી મુખ્યમંત્રી બનશે.