Farm Laws: ખેડૂત આંદોલનની જીત, ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવા મોદીનુ એલાન, જાણો શું કહ્યું
મોદીએ આ જાહેરાત કરતાં કહ્યું કે, કૃષિ કાયદા મુદ્દે અમે લોકોને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ ખેડૂતોનો એક વર્ગ આ કાયદાની વિરૂધ્ધ હતો તેથી અમે આ કાયદા પાછા ખેંચવા નિર્ણય લીધો છે.
નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. મોદી સરકારે પસાર કરેલા ત્રણેય કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનો માટે આ મોટી જીત છે. મોદીએ આ જાહેરાત કરતાં કહ્યું કે, કૃષિ કાયદા મુદ્દે અમે લોકોને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ ખેડૂતોનો એક વર્ગ આ કાયદાની વિરૂધ્ધ હતો તેથી અમે આ કાયદા પાછા ખેંચવા નિર્ણય લીધો છે. મોદીએ કહ્યું કે, હું દેશનાં લોકોને એ જણાવવા આવ્યો છું કે, અમે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.
Today I want to tell everyone that we have decided to repeal all three farm laws: PM Narendra Modi pic.twitter.com/ws353WdnVB
— ANI (@ANI) November 19, 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે 9 વાગ્યે સંબોધનની શરૂઆત કરાતા દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છા પાઠવી હતી.. વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં જણાવ્યુ હતું કે, મેં ખેડૂતોના પડકારોને અત્યંત ઝીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે.
વડાપ્રધાને કહ્યું, મેં ખેડૂતોની સમસ્યાઓ અને પડકારોને ખૂબ નજીકથી જોયા છે અને જ્યારે દેશે મને 2014માં વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવાની તક આપી ત્યારે અમે ખેડૂત કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી. અમે ખેડૂતોના કલ્યાણ માટે બહુ કામો કર્યાં છે. ઘણા લોકોને ખબર નથી કે દેશના 100 ખેડૂતોમાંથી 80 નાના ખેડૂતો છે અને તેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. તેમની સંખ્યા 10 કરોડથી પણ વધુ છે અને તેમના જીવનનો આધાર જમીનનો આ નાનો જમીનનો ટુકડો જ છે.