Independence Day 2024: 15 ઓગસ્ટે માત્ર ભારત જ નહીં, આ દેશો પણ થયા છે આઝાદ, જોઇ લો પુરેપુરું લિસ્ટ
Independence Day 2024: ભારત આ વર્ષે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. આપણા દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી
Independence Day 2024: ભારત આ વર્ષે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. આપણા દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી, ત્યારથી દર વર્ષે આ દિવસે ઉજવણી કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે સ્વતંત્રતાની ઉજવણી કરનારો ભારત એકમાત્ર દેશ નથી, પરંતુ અન્ય 4 દેશ છે. જેઓ આ દિવસે આઝાદ થયા હતા. જાણો ઇતિહાસ વિશે કે આજના દિવસે કયા કયા દેશો આઝાદ થયા હતા...
15 ઓગસ્ટે આ દેશ પણ મનાવે છે આઝાદીનો જશ્ન -
15 ઓગસ્ટના રોજ ભારતની સાથે અન્ય ચાર દેશોને આઝાદી મળી હતી. જેમાં બહેરીન, નૉર્થ અને સાઉથ કોરિયા, લિક્ટેનસ્ટેઈન અને રિપબ્લિક ઓફ કોંગો સામેલ છે.
કોન્ગો -
કોન્ગો એ આફ્રિકન ખંડની મધ્યમાં આવેલો લોકશાહી દેશ છે. આ દેશ ભારતની આઝાદીના 13 વર્ષ બાદ 15 ઓગસ્ટ 1960ના રોજ આઝાદ થયો હતો. જે પહેલા 1880 થી આઝાદી સુધી આ જગ્યા પર ફ્રાન્સનો કબજો હતો. તમને જણાવી દઈએ કે કોન્ગો વિસ્તારની દ્રષ્ટિએ આફ્રિકન મહાદ્વીપનો ત્રીજો સૌથી મોટો દેશ છે.
બહેરીન -
15 ઓગસ્ટ 1971ના રોજ બહેરીન પર બ્રિટિશ વસાહતી શાસનનો અંત આવ્યો. ભારતને આઝાદી મળ્યાના બે દાયકાથી વધુ સમય પછી બહેરીને તેની સ્વતંત્રતાની જાહેરાત કરી હતી. જો કે આ દેશ આ દિવસે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવતો નથી. 15 ઓગસ્ટને બદલે 16 ડિસેમ્બરને આ દેશમાં સ્વર્ગસ્થ શાસક ઇસા બિન સલમાન અલ ખલીફાના સિંહાસન પર આરોહણની યાદમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા -
દર વર્ષે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા બંનેમાં 15 ઓગસ્ટને રાષ્ટ્રીય મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હકીકતમાં, આ દિવસે બીજા વિશ્વ યુદ્ધ પછી કોરિયા પર 35 વર્ષનો જાપાની કબજો અને સંસ્થાનવાદી શાસન સમાપ્ત થયું. આઝાદીના ત્રણ વર્ષ પછી કોરિયા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં વહેંચાઇ ગયુ, હવે તેઓ બે દેશ બની ગયા છે જે અલગ-અલગ સ્વતંત્રતાની ઉજવણી કરે છે.
લિકટેન્સ્ટીન -
લિક્ટેનસ્ટેઇનમાં પણ 15 ઓગસ્ટને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ દુનિયાનો છઠ્ઠો સૌથી નાનો દેશ છે. આ દેશ 1866માં જર્મન શાસનથી સ્વતંત્ર થયો હતો. આ દેશ 1940 થી 15 ઓગસ્ટને તેના રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે. 5 ઓગસ્ટ, 1940ના રોજ, લિક્ટેંસ્ટાઇન સરકારે સત્તાવાર રીતે 15 ઓગસ્ટને રાષ્ટ્રીય રજા જાહેર કરી.