Goa Phone Tapping: સંજય રાઉતે ચૂંટણી વાળા રાજ્યોમાં ફોન ટેપિંગ મામલે કર્યો મોટો દાવો, જાણો શું કહ્યું
Goa Phone Tapping: સંજય રાઉતે કહ્યું ફોન ટેપિંગ કદાચ ઉત્તર પ્રદેશમાં પણ ચાલે છે, મને પણ અખિલેશ યાદવની ચિંતા છે.
ગોવામાં કોંગ્રેસે ભાજપ પર પોતાના નેતાઓના ફોન ટેપ કરવા માટે ખાનગી એજન્સીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે શિવસેનાના સાંસદ સંજય રાઉતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે આ દેશમાં અને ખાસ કરીને જ્યાં પણ ચૂંટણી થઈ રહી છે ત્યાં વિપક્ષના ઘણા નેતાઓના ફોન ટેપ થઈ રહ્યા છે.
તેમણે કહ્યું, "એ વાત સાચી છે કે મહારાષ્ટ્રમાં પણ એવું જ થયું જે રેકોર્ડ પર છે. એ જ મહારાષ્ટ્ર પેટર્ન ગોવામાં ચાલી રહી છે. યોગાનુયોગની વાત છે કે મહારાષ્ટ્રના નેતા જે તે સમયે ગોવાના પ્રભારી હતા. ફોન ટેપિંગ કદાચ ઉત્તર પ્રદેશમાં પણ થઇ રહ્યું છે, મને પણ અખિલેશ યાદવની ચિંતા છે."
ત્યારે અમારા ફોન ટેપ કરવામાં આવી રહ્યાં હતા : સંજય રાઉત
સંજય રાઉતે કહ્યું, "મહારાષ્ટ્રમાં ફોન ટેપિંગનું પુનરાવર્તન ગોવામાં થઈ રહ્યું છે. ગઈ કાલે મારો અને એકનાથ ખડસેનો સતત બે મહિના સુધી ફોન ટેપિંગનો એક કેસ મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવ્યાં બાદ મહા વિકાસ આઘાડીની સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ હતી ત્યારે અમારા ફોન ટેપ થઈ રહ્યા હતા.બે દિવસ પહેલા હું ગોવા કોંગ્રેસના નેતા દિગંબર કામતને મળ્યો હતો.તેમને ફોન ટેપ થયાની શંકા હતી.સુનિલ ધવલીકર,વિજય સરદેસાઈ,દિગંબર કામત,ગિરીશ ચોડંકરના ફોન ટેપ થઈ રહ્યા છે. ફોન ટેપીંગની મહારાષ્ટ્ર પેટર્ન ગોવામાં શરૂ થઈ રહી છે."..
ગોવામાં દિગંબર કામતનો ફોન ટેપ કરવાનો આરોપ
ગોવામાં કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પૂર્વ બંદર મંત્રી માઈકલ લોબો અને વિપક્ષના નેતા દિગંબર કામતના ફોન ટેપ કરવામાં આવ્યા છે. પત્રકારો સાથે વાત કરતા ગોવા કોંગ્રેસના પ્રમુખ ગિરીશ ચોડંકરે કહ્યું, "અમે પુષ્ટિ કરી છે કે અમારા પક્ષના નેતાઓના ફોન ભાજપના નેતાઓ મારફતે ખાનગી એજન્સી દ્વારા ટેપ કરવામાં આવી રહ્યા છે. તેઓ જાણે છે કે અમે શું કરી રહ્યા છીએ." તેઓ જાણે છે કે અમે શું બોલી રહ્યાં છીએ અને અમારા નેતાઓ સાથે શું વાત કરી રહ્યા છીએ."