NIA Chief: IPS દિનકર ગુપ્તા બન્યા NIAના નવા DG, જાણો કોણ છે દિનકર ગુપ્તા
Dinkar Gupta as DG of NIA : કેન્દ્ર સરકારે આઈપીએસ દિનકર ગુપ્તાને રાષ્ટ્રીય તપાસ એજન્સીના મહાનિર્દેશક (DG) તરીકે નિયુક્ત કર્યા છે.
DELHI : ભારતીય પોલીસ સેવા (IPS)ના વરિષ્ઠ અધિકારી દિનકર ગુપ્તા (Dinkar Gupta)ને ગુરુવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કર્મચારી મંત્રાલયના આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. ગુપ્તા પંજાબ કેડરના 1987 બેચના આઈપીએસ અધિકારી છે. કેબિનેટની નિમણૂક સમિતિએ 31 માર્ચ, 2024 સુધી એટલે કે તેમની નિવૃત્તિની તારીખ સુધી NIAના મહાનિર્દેશક તરીકે ગુપ્તાની નિમણૂકને મંજૂરી આપી છે.
સ્વાગત દાસને ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ બનાવાયા
અન્ય એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે સ્વાગત દાસને ગૃહ મંત્રાલયમાં વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દાસ છત્તીસગઢ કેડરના 1987 બેચના આઈપીએસ અધિકારી છે અને હાલમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે તૈનાત છે. દાસને તેમની નિવૃત્તિની તારીખ 30 નવેમ્બર 2024 સુધી આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
જાણો કોણ છે દિનકર ગુપ્તા
આ પહેલા દિનકર ગુપ્તા પંજાબના ડીજીપી પદ પર રહી ચૂક્યા છે. 1987 બેચના IPS અધિકારી દિનકર ગુપ્તા તે જ બેચના અન્ય ત્રણ અધિકારીઓમાં સૌથી વરિષ્ઠ છે, જેમના નામ આ અઠવાડિયાની શરૂઆતમાં ટોચના પદ પર નિમણૂક માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સૂચવવામાં આવ્યા હતા. ગુપ્તા લાંબા સમયથી પંજાબમાં છે, તેઓ લગભગ 7 વર્ષથી પંજાબના લુધિયાણા, જલંધર અને હોશિયારપુર જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) રહ્યા છે. ગુપ્તાએ આ પડકાર એવા સમયે લીધો હતો જ્યારે પંજાબમાં આતંકવાદ એક મોટી સમસ્યા તરીકે ઉભરી રહ્યો હતો.
દિનકર ગુપ્તાએ પણ પત્નીના હાથ નીચે કામ કર્યું છે
પંજાબમાં પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) તરીકે કામ કરતી વખતે, તેમણે તેમની પત્ની હેઠળ પણ કામ કર્યું. દિનકર ગુપ્તાના પત્ની વિની મહાજન તત્કાલીન પંજાબ સરકારના મુખ્ય સચિવ તરીકે કામ કરતા હતા. એક સમય એવો આવ્યો હતો જ્યારે પંજાબના સૌથી મહત્વપૂર્ણ પદોની જવાબદારી પતિ-પત્ની બંનેના ખભા પર હતી. દેશમાં કદાચ આ પહેલીવાર બન્યું છે જ્યારે પતિ-પત્ની કોઈ રાજ્યના સર્વોચ્ચ પદ પર રહ્યા હોય. વિની મહાજન પંજાબના પ્રથમ મહિલા સચિવ બન્યા હતા. તમને જણાવી દઈએ કે આ પતિ અને પત્ની બંને 1987 બેચના ઓફિસર છે.