Gujarat Election 2022: PM મોદીનું નામ જ પુરતું જ છે તો વારંવાર કેમ આવી રહ્યા છે ગુજરાત? અશોક ગેહલોતે સાધ્યું નિશાન
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતો પર સવાલ ઉઠાવ્યા છે
Gujarat Assembly Election 2022: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતો પર સવાલ ઉઠાવ્યા છે અને ટોણો માર્યો છે. સીએમ ગેહલોતે કહ્યું છે કે પીએમ મોદીને વારંવાર ગુજરાતની મુલાકાત લેવાની શી જરૂર છે? ગેહલોતે કહ્યું કે, ભાજપ ડરી ગઈ છે. જ્યારે ભાજપ પોતાને આટલો શક્તિશાળી માને છે તો પીએમ મોદીને વારંવાર ગુજરાતમાં કેમ જવું પડે છે?'' તેમણે કહ્યું કે ગુજરાતમાં ભાજપ હારશે તો તેનું કારણ મોંઘવારી અને બેરોજગારી હશે. ગેહલોતનું આ નિવેદન પીએમ મોદીની ગુજરાતમાં ત્રણ રેલીના એક દિવસ પહેલા આવ્યું છે.
રાજસ્થાનમાં કોંગ્રેસની કથિત આંતરિક લડાઈ સામે આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર, ગેહલોત અને પાયલોટ જૂથો વચ્ચેનો સંઘર્ષ અટકવાનું નામ લઇ રહ્યો નથી. ગેહલોત અને પાયલોટ એકબીજા પર ટિપ્પણી કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ પાયલોટને 'દેશદ્રોહી' પણ કહ્યા હતા. રાજસ્થાનમાં કથિત આંતરકલહને વચ્ચે કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને સત્તા પરથી હટાવવાના તમામ પ્રયાસો કરી રહી છે.
'ગુજરાતની સ્થિતિ વધુ ખરાબ'
મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું કે, ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીના કારણે સ્થિતિ વણસી છે. ગુજરાતમાં આ વખતે સરકાર બદલાશે તો સમગ્ર દેશને ફાયદો થશે. તેમણે કહ્યું કે ગુજરાત હાર્યા પછી પીએમ મોદી સમજી જશે કે તેઓ મોંઘવારીથી હારી ગયા. આ પછી તે મોંઘવારી નિયંત્રિત કરવા માટે કેટલાક પગલાં લેશે. તેમણે ટોણો માર્યો હતો કે ભાજપ માટે પીએમ મોદીનું નામ જ પૂરતું છે તો વડાપ્રધાનને વારંવાર ગુજરાતમાં કેમ જવું પડે છે?
'ગુજરાતમાં ભાજપનો સફાયો થશે'
સીએમ ગેહલોતે કહ્યું કે જ્યારથી ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે ત્યારથી પીએમ મોદી અને અમિત શાહ નિયમિતપણે ગુજરાત આવી રહ્યા છે. મતલબ કે તેમને લાગે છે કે ગુજરાતમાં ભાજપનો સફાયો થઈ જશે. જો તેઓ દર અઠવાડિયે અહીં આવે તો તેનો અર્થ શું છે? આ તેમની નબળી સ્થિતિ દર્શાવે છે.
ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સત્તામાં છે
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. ફરી એકવાર પીએમ મોદી રાજ્યમાં ભાજપની સરકાર બનાવવા માટે ખૂબ પરસેવો પાડી રહ્યા છે. PM મોદી પણ આજે (27 નવેમ્બરે) ગુજરાતમાં રોડ શો કરવાના છે.
રાજસ્થાન કોંગ્રેસમાં ફરી હંગામો
રાજસ્થાનમાં સીએમ ગેહલોત અને પાયલટ વચ્ચે ફરી એકવાર શબ્દ યુદ્ધ છેડાયું છે. તેમના એક નિવેદનમાં સીએમ ગેહલોતે પાયલટને 'દેશદ્રોહી' કહ્યા અને તેમના પર સરકારને તોડવા માટે ભાજપ સાથે મળીને કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો. પાર્ટી હાઈકમાન્ડ તરફથી ડેમેજ કંટ્રોલના પ્રયાસો શરૂ થઈ ગયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું છે કે અશોક ગેહલોત પણ અમારા માટે જરૂરી છે અને સચિન પાયલોટ પણ જરૂરી છે, અમે સંગઠન સ્તરે આ મામલાને ઉકેલીશું.