જમ્મુ કાશ્મીર: રામબનમાં મોટો અકસ્માત, સેનાનો ટ્રક ૭૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, ૩ જવાનો શહીદ થયા
રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૪ પર બેટરી ચશ્મા નજીક બની દુર્ઘટના, સેનાના કાફલાનું વાહન અકસ્માતગ્રસ્ત થયું, રાહત અને બચાવ કાર્ય હાથ ધરાયું.

- જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં સેનાનો ટ્રક ખીણમાં પડતા ત્રણ જવાનો શહીદ થયા.
- અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૪ પર બેટરી ચશ્મા નજીક સવારે ૧૧:૩૦ વાગ્યે થયો હતો.
- મૃતક જવાનોની ઓળખ સિપાહી અમિત કુમાર, સિપાહી સુજીત કુમાર અને સિપાહી માન બહાદુર તરીકે થઈ છે.
- રાહત અને બચાવ કાર્ય સેના, પોલીસ, SDRF અને સ્થાનિક લોકો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયું હતું.
- માર્ચ મહિનામાં પણ રામબન અને રિયાસી જિલ્લામાં આવા જ ખીણમાં વાહન પડવાના અકસ્માતોમાં જાનહાનિ થઈ હતી.
Indian Army accident Pahalgam: જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં આજે (રવિવારે, ૦૪ મે, ૨૦૨૫) એક મોટો અને દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં ભારતીય સેનાના ત્રણ બહાદુર જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા. સેનાના કાફલાનું એક વાહન નિયંત્રણ ગુમાવીને રસ્તા પરથી આશરે ૭૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું હતું.
અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, આ દુર્ઘટના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૪ પર જમ્મુથી શ્રીનગર તરફ જઈ રહેલા સેનાના કાફલા સાથે બની હતી. અકસ્માત સવારે લગભગ ૧૧:૩૦ વાગ્યે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૪ પર બેટરી ચશ્મા નજીક થયો હતો. સેનાનો ટ્રક ઊંડી ખીણમાં પડવાને કારણે સંપૂર્ણપણે નુકસાન પામ્યો હતો.
આ દુર્ઘટનાની જાણ થતા જ તાત્કાલિક અસરથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારતીય સેના, સ્થાનિક પોલીસ, રાજ્ય આપત્તિ બચાવ દળ (SDRF) અને સ્થાનિક લોકોની મદદથી સંયુક્ત રીતે બચાવ કાર્ય હાથ ધરાયું હતું. કમનસીબે, આ અકસ્માતમાં સેનાના ત્રણ જવાનોના મોત થયા હતા. અધિકારીઓ દ્વારા તેમની ઓળખ સિપાહી અમિત કુમાર, સિપાહી સુજીત કુમાર અને સિપાહી માન બહાદુર તરીકે કરવામાં આવી છે.
માર્ચ મહિનામાં પણ આવા જ અકસ્માતો બન્યા હતા
નોંધનીય છે કે, જમ્મુ અને કાશ્મીરમાં પહાડી રસ્તાઓ પર માર્ગ અકસ્માતોની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. ગત માર્ચ મહિનામાં પણ રામબન જિલ્લામાં આવા જ એક અકસ્માતમાં તાજા શાકભાજી લઈ જતું એક માલવાહક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડ્યું હતું, જેમાં બે લોકોના મોત થયા હતા. આ ઘટના પણ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બેટરી ચશ્મા નજીક જ બની હતી અને મૃતદેહોને ઘણા સો ફૂટ ઊંડા ખાઈમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ ડ્રાઇવર અર્શીદ અહેમદ અને તેના સહાયક સેવા સિંહ તરીકે થઈ હતી. માર્ચમાં રિયાસી જિલ્લામાં પણ આવી જ એક ઘટનામાં વાહન ખીણમાં પડતાં ચાર લોકોના મોત થયા હતા અને આઠ અન્ય ઘાયલ થયા હતા.





















