શોધખોળ કરો
PM મોદીએ જનકપુર-અયોધ્યા બસ સેવાને આપી લીલીઝંડી, કહ્યું- 'નેપાળ વિના અમારા રામ અધૂરા છે'

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના પ્રવાસ પર છે. વડાપ્રધાન મોદીએ જનકપુરના જાનકી મંદિરમાં પૂજા કરી હતી. મોદીને અહીં 121 કિલોની ફૂલમાળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીએ જનકપુરથી અયોધ્યા વચ્ચે બસ સેવાને લીલી ઝંડી આપી હતી. જનકપુરને માતા સીતાનું પિયર માનવામાં આવે છે. મોદીએ અહીં જય સિયા રામ કહી પોતાના ભાષણની શરૂઆત કરી હતી. મોદીએ કહ્યું કે, હું ઓગસ્ટ 2014માં પ્રથમવાર નેપાળ આવ્યો હતો ત્યારે મે કહ્યું હતું કે, હું ટૂંક સમયમાં જનકપુર આવીશ પરંતુ અહીં આવવામાં મોડું થતાં હું માફી માંગું છું. અહીંના મંદિરમાં દર્શન કરવાથી મારુ જીવન સફળ થયું છે. મોદીએ કહ્યું કે, અમે ભારતમાં એક મોટુ સંકલ્પ લીધું છે. આ સંકલ્પ ન્યૂ ઇન્ડિયાનું છે. 2022 સુધીમાં સવા સો કરોડ હિન્દુસ્તાનીઓએ ન્યૂ ઇન્ડિયા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અમે એક નવા ભારતનું નિર્માણ કરવા જઇ રહ્યા છીએ. જ્યાં બાળકોનો અભ્યાસ, યુવાઓને રોજગાર અને વૃદ્ધોને દવાઓ મળે. આ પ્રસંગે મોદીએ કહ્યું કે, ભારત જનકપુરી અને આસપાસના વિસ્તારોના વિકાસ માટે 100 કરોડ રૂપિયાની મદદ પુરી પાડશે. વધુમાં મોદીએ કહ્યું કે, નેપાળના વિકાસમાં ક્ષેત્રીય વિકાસ છૂપાયેલો છે. નેપાળ અને ભારતના સંબંધ અમર છે. આપણે મુશ્કેલીના સમયમાં એકબીજાને સાથ આપ્યો છે. નેપાળ અમારી પડોશી પ્રથમ નિતિમાં સૌથી આગળ છે. વડાપ્રધાને કહ્યું કે, ભારત અને નેપાળ વચ્ચે ત્રેતા યુગથી દોસ્તી છે. રાજા જનક અને રાજા દશરથે બંન્નેને મિત્ર બનાવ્યા હતા. મહાભારતમાં વિરાટનગર, રામાયણમાં જનકપુર અને બુદ્ધ કાળમાં લુમ્બિનીનો આ સંબંધ યુગો-યુગોથી ચાલી આવે છે. નેપાળ અને ભારત આસ્થાની ભાષાથી બંધાયેલા છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આપણી માતા, આસ્થા, પ્રકૃતિ અને સંસ્કૃતિ એક જ છે. માતા જાનકી વિના અયોધ્યા અધૂરી છે. મિત્રતાનું બંધન મને અહીં લાવ્યું છે. નેપાળ વિના ભારતનો ઇતિહાસ અને વિશ્વાસ અધુરો છે. નેપાળ વિના અમારા ધામ પણ અધૂરા છે અને અમારા રામ પણ અધૂરા છે.
વધુ વાંચો





















