(Source: ECI/ABP News/ABP Majha)
Kerala High Court: રેપ પીડિતા સાથે આરોપીએ કર્યા લગ્ન, કેરળ હાઇકોર્ટે રદ્દ કર્યા તમામ કેસ
અરજદારના વકીલે હાઈકોર્ટને જણાવ્યું કે આરોપી અને પીડિતાના લગ્ન આ વર્ષે જૂનમાં થયા હતા
Kerala High Court: કેરળ હાઈકોર્ટે એક સગીરા સાથે બળાત્કારના કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. પીડિતા સાથે લગ્ન કર્યા બાદ કોર્ટે આરોપી સામેના ફોજદારી કેસને ખત્મ કરી દીધા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં આ કેસને બરતરફ કરવામાં આવ્યો હતો. અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર, હાઈકોર્ટે ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (પોક્સો) હેઠળ જાતીય શોષણ અને બળાત્કારના આરોપી વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી એ આધાર પર રદ્દ કરી હતી કે આરોપી અને પીડિતા હવે પરિણીત છે.
જસ્ટિસ પી ગોપીનાથની ખંડપીઠે 25 સપ્ટેમ્બરે પોતાના આદેશમાં કહ્યું હતું કે, “આરોપી અને પીડિતા હવે પતિ-પત્ની તરીકે સાથે રહી રહ્યા છે. તેથી કેસ ચાલુ રાખવાનો કોઈ અર્થ જણાતો નથી."
શું હતો આરોપ?
આરોપી સામે કલમ 354 (મહિલાની ગરીમાને ઠેસ પહોંચાડવાના ઇરાદા સાથે હુમલો) અને કલમ 376 (દુષ્કર્મ) હેઠળ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સાથે POCSO એક્ટની કલમ 7 અને 8 પણ લગાવવામાં આવી હતી. હાઈકોર્ટના આદેશ પહેલા આ કેસ કોલ્લમ જિલ્લાના પુનાલુરમાં ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ (પોક્સો એક્ટ)માં પેન્ડિંગ હતો.
શું છે કેસ?
2019 માં આરોપી વ્યક્તિ પર પીડિતાને કારમાં લઈ જતી વખતે અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો અને બાદમાં તેના પર અનેક વખત દુષ્કર્મ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. જોકે, પીડિતા પુખ્ત બની ગયા બાદ પણ આરોપી પર બળાત્કારના આરોપો લગાવવામાં આવ્યા હતા. કેસ નોંધાયા બાદ બંનેએ આ વર્ષે જૂનમાં લગ્ન કરી લીધા હતા. આ પછી વ્યક્તિએ તેની સામે નોંધાયેલ કેસનો અંત લાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
અરજદારના વકીલે હાઈકોર્ટને જણાવ્યું કે આરોપી અને પીડિતાના લગ્ન આ વર્ષે જૂનમાં થયા હતા અને તેઓ પતિ-પત્ની તરીકે સાથે રહે છે. સરકારી વકીલે પણ કોર્ટ સમક્ષ આ મામલે હસ્તક્ષેપ કર્યો ન હતો. આ પછી હાઈકોર્ટે નોંધાયેલ ક્રિમિનલ કેસને રદ્દ કરવાનો આદેશ જાહેર કર્યો છે. હાઈકોર્ટે CrPCની કલમ 482 હેઠળ નીચલી કોર્ટમાં પેન્ડિંગ કાર્યવાહી રોકવાનો પણ આદેશ આપ્યો હતો.