Lata Mangeshkar Passes Away: લતા મંગેશકરના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
Lata Mangeshkar Death:મંગેશકરના નિધનથી મનોરંજન જગતમાં શોકની લહેર ફરી વળી છે. લતા મંગેશકર આશરે એક મહિનાથી બીમાર હતા.
Lata Mangeshkar Passes Away: લતા મંગેશકરના ચાહકો માટે માઠા સમાચાર છે. ગાયિકા લતા મંગેશકરનું નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમના નિધનની જાહેરાત કરી છે. મંગેશકરના નિધનથી મનોરંજન જગતમાં શોકની લહેર ફરી વળી છે. લતા મંગેશકર આશરે એક મહિનાથી બીમાર હતા. 8 જાન્યુઆરીએ કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાની સાથે ન્યૂમોનિયા થયો હતો. બે દિવસ પહેલા તેમનો વેન્ટિલેટર સપોર્ટ હટાવાયો હતો પરંતુ ગઈકાલથી તબિયત વધુ લથડી હતી. પરંતુ આજે તેમના નિધનના સમાચારથી કલા જગતમાં શોક છવાઈ ગયો છે.
લતાજીના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે શિવાજી પાર્કમાં રાખવામાં આવશે. લતા મંગેશકરના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર સાથે કરવામાં આવશે.લત્તા મંગેશકર આજે મૌન થઇ ગયા પરંતુ 25 હજાર સુરીલા ગીતોની વિરાસત આજે આપણી વચ્ચે છોડી ગયા છે. 78 વર્ષની તેમની ગાયિકીની કરિયર રહી છે.
મધ્યપ્રદેશના ઈન્દોરમાં 28 સપ્ટેમ્બર 1929ના રોજ જન્મેલા કુમારી લતા દીનાનાથ મંગેશકર રંગમંચીય ગાયક દીનાનાથ મંગેશકર અને સુધામતીની પુત્રી છે. ચાર ભાઈ બહેનોમાં સૌથી મોટી લતાને તેમના પિતાએ પાંચ વર્ષની વયે જ સંગીતની તાલીમ આપવાની શરૂ કરી હતી.લતા મંગેશકર માટે ગાવુ પૂજા સમાન હતી. રેકોર્ડિંગના સમયે તેઓ ખુલ્લા પગે રહેતા. તેમના પિતાજી દ્વારા આપેલા તંબૂરાને તેમણે સાચવીને રાખ્યું છે.
લતા મંગેશકરને ફોટોગ્રાફીનો ખૂબ શોખ હતો. વિદેશમાં તેમણે પાડેલા ફોટાનું પ્રદર્શની પણ યોજાયું છે. રમતમાં તેમને ક્રિકેટનો ખૂબ શોખ હતો. ભારતના કોઈ મોટા મેચના દિવસે તેઓ બધા કામ મૂકી મેચ જોવાનુ પસંદ કરતા હતા.જ્યારે તેમની રમવાની ઉંમર હતી ત્યારે તેમણે ઘરની જવાબદારી સંભાળી લીધી હતી અને ભાઇ બહેનની જવાબદારી અને તેનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે તેમણે ક્યારેય લગ્ન ન કર્યાં