Lok Sabha Elections Live: ક્ષત્રિય સમાજના વિરોધના કારણે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની સભા રદ્દ
Lok Sabha Elections: ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનો મુદ્દો પણ મોટો બન્યો છે

Background
Lok Sabha Elections: રાજ્યમાં લોકસભાની ચૂંટણી ચરમ પર પહોંચી છે, આગામી સાત મે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાવવાનું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનો મુદ્દો પણ મોટો બન્યો છે. રાજ્યમાં ક્ષત્રિય સમાજ ધર્મરથ કાઢીને રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને હરાવવા મેદાનમાં પડ્યા છે, ખાસ વાત છે કે, રૂપાલાની ક્ષત્રિય સમાજની બહેનો પરની ટિપ્પણીને લઇને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ ભાજપની વિરૂદ્ધ મતદાન કરાવવા પર અડગ બન્યો છે. હવે આ બધાની વચ્ચે ફરી એકવાર ભાજપના નેતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી છે.
રાજ્યમાં પરશોત્તમ રૂપાલાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ક્ષત્રિય સમાજે હવે ધર્મરથ કાઢીને ભાજપને હરાવવા અને મોટી સંખ્યામાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા અપીલ કરી છે. આ ધર્મરથ રાજ્યમાં ઠેર ઠેર ફરી રહ્યો છે. ધર્મરથથી ક્ષત્રિયો ફરી એકવાર એકઠા થઇ રહ્યાં છે અને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા માટે સંકલ્પ લઇ રહ્યાં છે. આ બધાની વચ્ચે હવે ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી છે. અગાઉ પણ ત્રણ વાર ક્ષત્રિય સમાજની માફી માંગી ચૂક્યા છે. તાજેતરમાં જ ક્ષત્રિયો મુદ્દે કરેલી ટિપ્પણીને રૂપાલાએ પોતાની મોટી ભૂલ માની છે, અને પોતાને માફ કરી દેવા ક્ષત્રિયોને અપીલ કરી છે. પોતાની ભૂલની સજા પક્ષને ના આપવા પણ વિનંતી કરી છે. રૂપાલાએ માફી માગવાની સાથે વડાપ્રધાનના કાર્યો, ભાજપ સાથે ક્ષત્રિયોના સંબંધને યાદ કર્યા હતા.
રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદ પર પહેલીવાર બોલ્યા અમિત શાહ, કહ્યું -'ત્રણવાર માફી માંગી લીધી છે ને હવે.......'
લોકસભા ચૂંટણી વચ્ચે ક્ષત્રિય સમાજ- ઠાકુર સમાજની ભાજપ પ્રત્યે નારાજગી કોઈનાથી છુપી નથી. ઘણા રાજકીય નિષ્ણાતો કહી રહ્યા છે કે ગુજરાતમાંથી શરૂ થયેલી આ અટકળો હવે મધ્યપ્રદેશ અને પશ્ચિમ યુપીમાં ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. જાણકારોનું કહેવું છે કે તેની અસર પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જોવા મળી છે. પશ્ચિમ યુપીની સીટો પર ધનંજયસિંહની ચૂંટણી લડવાની વાત હોય કે જૌનપુરની, જ્યાં યુપીમાં ઠાકુર સમુદાયના વિરોધની વાત છે. હવે ભાજપે આ ડેમેજ કંટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. નારાજગીના આ અહેવાલો વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતાઓએ ચાર્જ સંભાળી લીધો છે. દરમિયાન આજતક સાથેના ઈન્ટરવ્યૂ દરમિયાન અમિત શાહને આ સવાલ પૂછવામાં આવ્યો હતો.
ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે કોગ્રેસને પનોતી ગણાવી હતી
ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે કોગ્રેસને પનોતી ગણાવી હતી. તેમણે કહ્યુ કે કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં અનેક દુષ્કાળ પડ્યા છે. પાટણના ભાટસણ ગામે ભાજપની યોજાયેલી સભામાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે 70 વર્ષ કોંગ્રેસે આ દેશ અને ગુજરાતને લૂંટવાનું કામ કર્યું છે. કોંગ્રેસના શાસનમાં એક વર્ષમાં બે બે વાર રોડ બને પણ કાગળ પર, સ્થળ પર જોવા જાઓ તો રોડ હોય જ નહીં. કોંગ્રેસ ગરીબોનું અનાજ પણ ખાઈ જતા હતા.
રૂપાલાની ફરી વિનંતી બાદ પણ રાજપૂત સમાજમાં આક્રોશ છે
રૂપાલાની ફરી વિનંતી બાદ પણ રાજપૂત સમાજમાં આક્રોશ છે. કરણસિંહે કહ્યુ કે રૂપાલા સામેથી ખસી ગયા હોત તો આ સ્થિતિ ન હોત. રૂપાલા મલમ લગાવવા માટે આ બધું બોલે છે. રૂપાલાએ દિલથી માફી માંગી હોય તેવું લાગતુ નથી. સમગ્ર ગુજરાતના 12 થી વધુ જિલ્લામાં ધર્મરથ ફરી ગયો છે. ધર્મરથના માધ્યમથી અમે લોકો સુધી અમારી વાત પહોંચાડી રહ્યા છીએ.





















