NDA માં થશે ખટપટ, નવાબ મલિકે અજિત પવારની સાથે શેર કર્યુ મંચ, ફડણવીસ શું બોલ્યા ?
Maharashtra Assembly Elections: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા ઘમાસાન શરૂ થયું છે, નવી નવી અટકળો પણ વહેતી થઇ રહી છે
Maharashtra Assembly Elections: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા ઘમાસાન શરૂ થયું છે, નવી નવી અટકળો પણ વહેતી થઇ રહી છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકે સોમવારે (19 ઓગસ્ટ) મુંબઈમાં NCPના વડા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે મંચ શેર કર્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે અગાઉ કલંકિત નેતાને શાસક મહાયુતિ ગઠબંધનમાં સામેલ કરવા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. આવી સ્થિતિમાં આ રાજકીય ઘટનાક્રમ સહયોગી ભાજપને મુશ્કેલીમાં મૂકે તેમ છે.
પીટીઆઈના અહેવાલ મુજબ, જ્યારે નવાબ મલિકને એનસીપી વડા અજિત પવાર સાથે સ્ટેજ શેર કરવા અંગે ટિપ્પણી કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "મેં પહેલેથી જ મારું વલણ સ્પષ્ટ કરી દીધું છે."
નવાબ મલિકને એનસીપીના સ્થાપક શરદ પવારના વફાદાર માનવામાં આવે છે. તે મની લૉન્ડરિંગ કેસમાં આરોપી છે અને તબીબી આધાર પર વચગાળાના જામીન પર છે. મુંબઈમાં અનુશક્તિ નગર મતવિસ્તારમાં આયોજિત જન સન્માન યાત્રા કાર્યક્રમમાં અજિત પવારે મલિકની પુત્રી સના નવાબ મલિકને NCPના પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા. આ દરમિયાન નવાબ મલિકે સ્ટેજ શેર કર્યું હતું.
ભાજપના નેતા અને ડેપ્યૂટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ગયા વર્ષે મહાયુતિ સરકારમાં જોડાયા બાદ પૂર્વ મંત્રી નવાબ મલિકને મહાયુતિ ગઠબંધનમાં સામેલ કરવાની કોઈપણ યોજના વિરુદ્ધ અજિત પવારને પત્ર લખ્યો હતો.
મલિક વિરુદ્ધ EDનો કેસ અંડરવર્લ્ડ આતંકવાદી અને 1993ના મુંબઈ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા દાખલ કરવામાં આવેલી FIR પર આધારિત છે.
જ્યારે નવાબ મલિક ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની અગાઉની MVA સરકારમાં કેબિનેટ મંત્રી હતા, ત્યારે તેઓ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્રમાં તત્કાલીન વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસની આકરી ટીકા કરતા હતા. મલિકની ફેબ્રુઆરી 2022માં ધરપકડ કરવામાં આવી હતી. તેને ઓગસ્ટ 2023માં વચગાળાના જામીન મળ્યા હતા જે સમયાંતરે લંબાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો