Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર, શરદ પવાર અને અજિત પવાર વચ્ચે સિક્રેટ મિટિંગ
મીટિંગ બાદ શરદ પવાર પહેલા બંગલામાંથી બહાર આવ્યા અને થોડીવાર પછી અજિત પવારનો કાફલો બંગલામાંથી બહાર આવ્યો હતો.
Maharashtra Political News: મહારાષ્ટ્રના રાજકારણને હચમચાવી દેનારા વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર NCP વડા શરદ પવાર અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર શનિવારે (12 ઓગસ્ટ) પુણેના ઉદ્યોગપતિ અતુલ ચોરડિયાના બંગલે મળ્યા હતા.
શરદ પવાર શનિવારે પુણેમાં હતા, અજિત પવાર સાથે ચાંદની ચોક બ્રિજના ઉદ્ઘાટન માટે પૂણે પણ આવ્યા હતા. આ કાર્યક્રમ પછી સમાચાર આવ્યા કે શરદ પવાર અને અજિત પવાર વચ્ચે કોરેગાંવ પાર્કમાં ચોરડિયાના નિવાસસ્થાને બેઠક થઈ, જે એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી.
બેઠક બાદ બંને નેતાઓ એક પછી એક બંગલામાંથી બહાર આવ્યા
શરદ પવાર અને અજિત પવાર કોરેગાંવ પાર્કમાં ચોરડિયાના બંગલામાં બેઠક કરી રહ્યા હોવાની જાણ થતાં જ પત્રકારો બંગલાની બહાર દોડી આવ્યા હતા. બંને નેતાઓ અતુલ ચોરડિયાના ઘરે મળ્યા હતા. મીટિંગ બાદ શરદ પવાર પહેલા બંગલામાંથી બહાર આવ્યા અને થોડીવાર પછી અજિત પવારનો કાફલો બંગલામાંથી બહાર આવ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથ ભળી જશે. આ બંને નેતાઓની મુલાકાતને લઈને ફરી વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
અજિત પવારે શરદ પવાર વિશે નિવેદન આપ્યું હતું
તાજેતરમાં અજિત પવારે શિરુરમાં એક સભામાં નિવેદન આપ્યું હતું કે અમે અને સાહેબ (શરદ પવાર) અલગ નથી, તે પછી પણ રાજકીય વર્તુળોમાં અલગ-અલગ ચર્ચાઓ ચાલી રહી હતી. શરદ પવાર અને દિલીપ વલસે પાટિલ શનિવારે પુણેમાં વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટના કાર્યક્રમમાં સાથે પહોંચ્યા હતા, પરંતુ અજિત પવારે કાર્યક્રમમાં આવવાનું ટાળ્યું હતું.
અજિત પવાર નાયબ મુખ્યમંત્રી છે
2 જુલાઈના રોજ અજિત પવાર તેમના કાકા શરદ પવારની પાર્ટી એનસીપીના ઘણા ધારાસભ્યો સાથે બળવો કર્યો અને ભાજપ-એકનાથ શિંદે ગઠબંધન સરકારમાં જોડાયા હતા. આ સરકારમાં અજિત પવાર નાયબ મુખ્યમંત્રી છે.
મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવાર સાથે મંત્રી તરીકે જોડાયેલા ધનંજય મુંડેને કૃષિ વિભાગની કમાન સોંપવામાં આવી છે. દિલીપ વાલસે પાટીલને સહકારી મંત્રી બનાવવામાં આવ્યા છે. એનસીપીના અન્ય નેતાઓ જેમને મંત્રી બનાવવામાં આવ્યા છે તેમાં હસન મુશ્રીફને મેડિકલ એજ્યુકેશન, છગન ભુજબળને અન્ન અને નાગરિક પુરવઠા, ધર્મરાવ આત્રામને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, સંજય બંસોડને રમતગમત, અદિતિ તટકરેને મહિલા અને બાળ વિકાસ અનિલ પાટીલને રાહત, પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.