(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra : શરદ પવારનો ખુલાસો : હા, BJPસાથે સરકાર બનાવવા માટે વાત થયેલી પરંતુ...
પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે કહ્યું હતું કે, જ્યારે દેવેન્દ્ર ફડણવીસે વિકેટ આપી ત્યારે અમે વિકેટ ઉખાડી નાખી હતી.
Maharashtra Politics: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે ગુરુવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને સણસણતો જવાબ આપ્યો હતો. આ સાથે જ શરદ પવારે ભત્રીજા અજીત પવાર દ્વારા રાતોરાત ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર રચવાને લઈને ખુલાસો કરતા કહ્યું હતું કે, હા, તેમણે 2019માં રાજ્યમાં સરકાર બનાવવા માટે ભાજપ સાથે ચર્ચા કરી હતી.
પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે કહ્યું હતું કે, જ્યારે દેવેન્દ્ર ફડણવીસે વિકેટ આપી ત્યારે અમે વિકેટ ઉખાડી નાખી હતી. જો કોઈ બોલરને તેની વિકેટ બતાવે છે, તો બોલર તેને કેવી રીતે છોડી દે. પવારે વધુમાં કહ્યું હતું કે, અયોગ્ય ટિપ્પણી કરવાને બદલે ફડણવીસે મહિલાઓની સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપે 2019માં શરદ પવાર સાથે વાતચીત કરી હતી, પરંતુ અજિત પવાર સાથે શપથ લીધાના 2 દિવસ પહેલા જ શરદ પવારે પીછેહઠ કરી હતી.
દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
પવારના નિવેદન પર ફડણવીસે કહ્યું હતું કે, હું પવારના નિવેદનથી ખૂબ જ ખુશ છું કે તેમણે મારી વાત માની તો ખરી. મને આશા છે કે, ભવિષ્યમાં પણ હું આવી જ ગુગલી ફેંકીશ અને પવાર સાહેબ ત્યારે પણ મારા નિર્ણયો સાથે સહમત થતા જોવા મળશે.
ઈન્ટરવ્યુમાં દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
ફડણવીસે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો તમારે શરદ પવારના રહસ્યને સમજવું હોય તો તમારે તેમના ઈતિહાસમાં જવું જોઈએ. વર્ષ 2019માં જ્યારે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને એનસીપી સાથે ખુરશી માટે વાત કરી ત્યારે અમે વિચારવાનું શરૂ કર્યું કે શું બીજો રસ્તો હોઈ શકે. આ દરમિયાન એનસીપીના કેટલાક લોકોએ કહ્યું કે, અમે તમારી સાથે આવી શકીએ છીએ કારણ કે, અમને સ્થિર સરકાર જોઈએ છે. ત્યાર બાદ શરદ પવાર સાથે મુલાકાત થઈ હતી. મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીની સરકાર હશે તે નક્કી હતું. બેઠકમાં NCP નેતા અજિત પવાર અને મને કેવી રીતે આગળ વધવું તેના તમામ અધિકારો આપવામાં આવ્યા હતા.
ફડણવીસે દાવો કર્યો હતો કે, પરંતુ શપથના ત્રણથી ચાર દિવસ પહેલા શરદ પવાર પીછેહઠ કરી ગયા હતા. આ સ્થિતિમાં NCP નેતા અજિત પવાર પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. મેં સીએમ અને અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા.
NCPએ શું કહ્યું?
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, એનસીપીના પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ એક નિવેદનમાં કહ્યું હતું કે, "દેવેન્દ્ર ફડણવીસ છેલ્લા કેટલાક દિવસોમાં એકનાથ શિંદેની જાહેરાતોમાં ઓછા બતાવવામાં આવ્યા બાદ લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેથી જ તેઓ ઈન્ટરવ્યુમાં શરદ પવાર ના નામનો દુરુપયોગ કરી રહ્યા છે. આ એટલા માટે છે કે એકનાથ શિંદેની છબીને કલંકિત કરી શકાય.