મહારાષ્ટ્રના આ ગામમાં EVM થી મતદાન પર પ્રતિબંધ, ગ્રામસભામાં ઠરાવ પસાર કર્યો, જાણો વિગતો
મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલી કોલેવાડી ગ્રામસભાએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે EVMને બદલે પરંપરાગત બેલેટ પેપર દ્વારા ભવિષ્યમાં યોજાનારી ચૂંટણીઓ કરાવવાનો ઠરાવ પસાર કર્યો છે.
મુંબઈ: મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલી કોલેવાડી ગ્રામસભાએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે EVMને બદલે પરંપરાગત બેલેટ પેપર દ્વારા ભવિષ્યમાં યોજાનારી ચૂંટણીઓ કરાવવાનો ઠરાવ પસાર કર્યો છે. આ ગામ EVM વિરુદ્ધ ઠરાવ પસાર કરનાર મહારાષ્ટ્રનું બીજું ગામ બન્યું છે. કોલેવાડી ગામ કરાડ (દક્ષિણ) વિધાનસભા મતવિસ્તારમાં આવે છે, જેનું પ્રતિનિધિત્વ અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે, નવેમ્બર 2024માં યોજાયેલી ચૂંટણીમાં તેમને ભાજપના ઉમેદવાર અતુલ ભોસલે સામે 39,355 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.
મહારાષ્ટ્રનું આ બીજું ગામ
કોલેવાડીના રહેવાસીઓએ EVM દ્વારા પડેલા મતો પર શંકા વ્યક્ત કર્યા પછી ગ્રામસભાએ આ ઠરાવ પસાર કર્યો હતો. તેમની માંગ છે કે ચૂંટણીમાં પરંપરાગત બેલેટ પેપરનો ઉપયોગ થવો જોઈએ, જેથી ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ ફરી સ્થાપિત થઈ શકે. અગાઉ, સોલાપુરના માલશિરસ મતવિસ્તારના મરકડવાડી ગામમાં પણ કેટલાક લોકોએ ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા હતા અને બેલેટ પેપર દ્વારા મોક રિ-પોલિંગ કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વહીવટીતંત્ર અને પોલીસે તેને નિષ્ફળ બનાવ્યો હતો અને આ મામલે કાર્યવાહી કરી હતી.
ચૂંટણી બેલેટ પેપર દ્વારા થવી જોઈએ
કોલેવાડી ગ્રામસભાના એક વ્યક્તિએ જણાવ્યું કે, ગ્રામસભાએ ઠરાવ પસાર કરીને સ્પષ્ટ કહ્યું છે કે ભવિષ્યમાં ચૂંટણી ઈવીએમને બદલે બેલેટ પેપરથી જ કરાવવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે જો વહીવટીતંત્ર બેલેટ પેપર દ્વારા મતદાનની મંજૂરી નહીં આપે તો લોકો મતદાનનો બહિષ્કાર કરશે.
આ સમગ્ર મામલે જિલ્લા કલેકટરે શું કહ્યું ?
સતારા જિલ્લા કલેક્ટર જિતેન્દ્ર દૂદીએ આ ઠરાવ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "તેમની ઓફિસને હજુ સુધી ગ્રામ પંચાયત તરફથી કોઈ દરખાસ્ત મળી નથી. "જ્યારે અમને દરખાસ્ત મળશે, અમે તેના વિશે જરૂરી પગલાં લઈશું,"
મહારાષ્ટ્રમાં હાલમાં જ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી મહાયુતિ એટલે કે ભાજપ, શિવસેના (શિંદે) અને એનસીપી (અજીત પવાર)ની પાર્ટીને શાનદાર જીત મળી છે. આ જીત બાદ મહારાષ્ટ્ર ભાજપના નેતા દેવેદ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંંત્રી બન્યા છે. જ્યારે એકનાથ શિંદે અને અજીત પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
શું રાજ્યસભાના અધ્યક્ષને પદ પરથી હટાવી શકશે વિપક્ષ, જાણો શું છે ઉપરાષ્ટ્રપતિને હટાવવાની પ્રક્રિયા