તાઉતે બાદ હવે 'Cyclone Yaas' મચાવી શકે છે તબાહી, હવામાન વિભાગે આ રાજ્યમાં આપી ચેતવણી
હવામાન વિભાગ અનુસાર, 22 મેથી ઉત્તર અંદમાન નિકોબારને અડીને આવેલા દરિયામાં લો પ્રેશર બનવાનું શરું થશે. જે 24 મે સુધી ઓડિસાના દરિયા કિનારે તીવ્ર વાવાઝોડનું સ્વરૂપ ધારણ કરી શકે છે. આ વાવાઝોડુ 26 મેના રોજ ઓડિસા અને પશ્ચિમ બંગાળના કિનારે ત્રાટકવાની શક્યતા છે.
નવી દિલ્હી: તાઉતે વાવાઝોડા બાદ હવે વધુ એક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે દેશના પૂર્વ કિનારે બંગાળની ખાડીમાં 'યાસ' નામના વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને કોસ્ટગાર્ડ અને અંદમાન અને નિકોબારથી ઓડિસા અને પશ્ચિમ બંગાળ સુધીના માછીમારોને ચેતવણી આપી છે. 22-26 મેની વચ્ચે દરિયામાં ન જવાની ચેતવણી આપી છે. સાથે કોમર્શિયલ જહાજો અને કાર્ગો શિપને પણ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ અનુસાર, 22 મેથી ઉત્તર અંદમાન નિકોબારને અડીને આવેલા દરિયામાં લો પ્રેશર બનવાનું શરું થશે. જે 24 મે સુધી ઓડિસાના દરિયા કિનારે તીવ્ર વાવાઝોડનું સ્વરૂપ ધારણ કરી શકે છે. આ વાવાઝોડુ 26 મેના રોજ ઓડિસા અને પશ્ચિમ બંગાળના કિનારે ત્રાટકવાની શક્યતા છે.
હવામાન વિભાગની ચેતવણીના પગલે કોસ્ટગાર્ડના જહાજો, એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર બંગાળની ખાડીમાં તૈનાત કરાયા છે અને 22 મે પહેલા માછીમારોને દરિયામાંથી કિનારે પહોંચવાની સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કોસ્ટગાર્ડ હજી પણ અરબી સમુદ્રમાં તાઉ તે ચક્રવાતની ઝપેટમાં આવેલા બાર્જ -305 ના ગુમ થયેલા ક્રૂ-સભ્યોને શોધવામાં લાગેલા છે. આ બાર્જ પરના 261 કર્મચારીઓમાંથી 186 સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે. જ્યારે 49 કર્મચારીઓના મૃતદેહ પણ મળી આવ્યા છે. પરંતુ હજુ પણ 26 કર્મચારીઓનો પત્તો લાગ્યો નથી. આ ઉપરાંત મુંબઇની નજીક ગલ-કન્સ્ટ્રક્ટર બાર્જના 137 ક્રૂ-સભ્યોને સુરક્ષિત બચાવવામાં કોસ્ટગાર્ડના જહાજો અને હેલિકોપ્ટરોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી..