MiG-21 Fighter Jet Crash : રાજસ્થાનના બાડમેરમાં IAFનું ફાઈટર એરક્રાફ્ટ મિગ-21 ક્રેશ, 2 પાયલટ શહીદ
MIG-21 crashed in Rajasthan : ફાઈટર એરક્રાફ્ટ મિગ-21 રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ક્રેશ થયું.
Rajasthan : ભારતીય વાયુસેનાનું એક ફાઈટર એરક્રાફ્ટ ગુરુવારે રાજસ્થાનમાં ક્રેશ થયું. ફાઈટર એરક્રાફ્ટ મિગ-21 રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ક્રેશ થયું. આ ઘટનામાં 2 પાયલટ શહીદ થયાના સમાચાર છે.
ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
બાડમેર જિલ્લા કલેક્ટર લોક બંધુએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, "તે ભારતીય વાયુસેનાનું વિમાન હતું, જે બાયટુના ભીમડા ગામ પાસે ક્રેશ થયું હતું."
મિગ-21 ક્રેશની જાણ થતાં ગામમાં ગભરાટ ફેલાયો હતો. પ્લેનનો કાટમાળ પણ અડધા કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાઈ ગયો હતો. વહીવટીતંત્ર ઘટનાસ્થળે રવાના થઈ ગયું છે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે બંને પાયલટ શહીદ થયા છે. દુર્ઘટના બાદ એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. વાયુસેનાએ કહ્યું કે અકસ્માત અંગે તથ્યો એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
બે પાયલટ શહીદ
આ ઘટનામાં બે પાયલટ શહીદ થયાના સમાચાર છે. આ સમાચારની પુષ્ટિ ન્યુઝ એજેન્સી ANIએ વાયુસેનાનું નિવેદન ટાંકીને કરી છે. એક ટ્વીટમાં ANIએ લખ્યું કે આ દુર્ઘટનામાં મિગ-21 ટ્રેનર એરક્રાફ્ટના બંને પાઇલટના જીવ ગયા હતા. IAF જાનહાનિ બદલ ખેદ વ્યક્ત કરે છે અને શોકગ્રસ્ત પરિવારો સાથે દૃઢપણે ઊભું છે. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે
#WATCH | Rajasthan: A MiG-21 fighter aircraft of the Indian Air Force crashed near Barmer district. Further details regarding the pilots awaited pic.twitter.com/5KfO24hZB6
— ANI (@ANI) July 28, 2022
રક્ષામંત્રીએ વાયુસેના પ્રમુખ સાથે વાત કરી
બાડમેરમાં મિગ-21 ફાઈટર એરક્રાફ્ટના ક્રેશ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સાથે વાત કરી હતી. IAF ચીફે તેમને આ ઘટના વિશે વિગતવાર માહિતી આપી.
છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણાં મિગ-21 ક્રેશ થયા
મિગ Mi-21 બાઇસન એરક્રાફ્ટને ભારતીય વાયુસેના દ્વારા 1960ના દાયકામાં સામેલ કરવાનું શરૂ થયું હતું. ભારતીય વાયુસેનાએ વર્ષો દરમિયાન વિવિધ અકસ્માતોમાં અનેક મિગ-21 એરક્રાફ્ટ અને અન્ય એરક્રાફ્ટ ગુમાવ્યા છે. હાલમાં ભારતીય વાયુસેના પાસે મિગ-21 બાઇસનની લગભગ છ સ્ક્વોડ્રન છે અને એક સ્ક્વોડ્રનમાં લગભગ 18 વિમાનોનો સમાવેશ થાય છે.