Modi-Sonia : PM મોદીએ ખબર અંતર પુછ્યા તો સોનિયા ગાંધીએ કહ્યું- "હું તો ઠીક છું પણ..."
પીએમ મોદીએ આજે ગુરુવારે સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત વિશે પૂછપરછ કરી હતી.
Pm Modi And Sonia Gandhi Meeting : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે સંસદના ચોમાસુ સત્રમાં મળ્યા હતા. આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે કેટલીક વાતચીત પણ થઈ હતી. આ દરમિયાન સોનિયાએ પીએમ મોદીને મણિપુર વીડિયો મુદ્દે ગૃહમાં ચર્ચા કરવાની માંગ કરી હતી. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, પીએમ મોદીએ આ મુદ્દે કહ્યું કે, તેઓ આ અંગે તપાસ કરશે.
પીએમ મોદીએ આજે ગુરુવારે સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત વિશે પૂછપરછ કરી હતી. સત્રની શરૂઆતમાં જ્યારે પીએમ મોદીએ સોનિયા ગાંધીની તબિયત વિશે પૂછ્યું તો તેમણે પીએમને માત્ર મણિપુર પર જ સવાલ કર્યા હતાં. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે પીએમ મોદીને મણિપુરની યાદ અપાવી હતી.
પીએમ અને સોનિયા ગાંધી વચ્ચેની આ વાતચીત અંગે કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, આ એક ઔપચારીક મુલાકાત હતી. સત્રના પહેલા દિવસે પીએમએ તમામ સાંસદોના ખબર અંતર પૂછ્યા હતાં. અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીએ વડાપ્રધાનને મણિપુર પર ગૃહમાં ચર્ચા કરવાની અપીલ કરી. તેમણે કહ્યું હતું કે, જ્યારે પીએમ મોદીએ સોનિયા ગાંધીને મળીને તેમના ખબર અંતર પુછ્યા તો સોનિયાએ કહ્યું હતું કે, મારી હાલત ઠીક છે પણ મણિપુર ઠીક નથી. મને મણિપુરની મહિલાઓની ચિંતા છે અને આ અંગે ગૃહમાં ચર્ચા થવી જોઈએ.
'મને લાગે છે કે પીએમને તેમની પાસેથી આવા સવાલની અપેક્ષા નહોતી.'
કોંગ્રેસ સાંસદ ચૌધરીના જણાવ્યા અનુસાર, 'પીએમ મોદી આનાથી આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે ઠીક છે, હું જોઈશ.' સંસદ સત્ર પહેલા પીએમ મોદીએ કુકી મહિલાઓની નગ્ન પરેડ કરાવવાના વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.
વિપક્ષ મણિપુર હિંસા પર ચર્ચાની માંગ
વિપક્ષ સતત મણિપુર હિંસા પર ચર્ચાની માંગ કરી રહ્યો હતો. આજે આ અંગે ગૃહમાં હોબાળો થયો હતો. વિપક્ષના સાંસદોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે, જ્યારે અમે તેમને મણિપુર વિશે પૂછીએ છીએ તો તેઓ રાજસ્થાનની વાત કરવા લાગે છે. સોનિયા ગાંધીએ મણિપુર હિંસા પર એક વીડિયો જાહેર કર્યો અને કેન્દ્ર સરકારને પ્રશ્નો પૂછ્યા હતાં. ગયા મહિને એક વીડિયો સંદેશમાં તેમણે હિંસાગ્રસ્ત મણિપુરમાં શાંતિ જાળવવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે, અભૂતપૂર્વ હિંસાએ રાજ્યના લોકોના જીવનને બરબાદ કરી દીધું છે, જેણે દેશના અંતરાત્મા પર ઊંડો ઘા માર્યો છે.
વિપક્ષી સાંસદોનો હોબાળો, પીએમ મોદીને લઈ કહ્યું કે...
મણિપુર હિંસા પર ચર્ચાની માંગને લઈને આજે સંસદમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષી સાંસદોએ હિંસા પર ચર્ચાની અપીલ કરી હતી. આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું હતું કે, જો ચીફ જસ્ટિસની ટીપ્પણી પછી પણ સરકાર જાગી નથી તો તેનો અર્થ એ છે કે તેઓ ઊંઘવાના ફાયદા જાણે છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે કહ્યું હતું કે, I.N.D.I.A (વિપક્ષી ગઠબંધન) એ હિંસા પર ચર્ચા કરવા માટે ગૃહમાં સ્થગિત નોટિસ આપી હતી. તેમણે વડાપ્રધાન પાસે નિવેદન જારી કરવાની માંગ કરી, જેના પર લોકસભા-રાજ્યસભામાં ચર્ચા થઈ શકે.