ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
Indigo flight cancelled:ઇન્ડિગોની 550 થી વધુ ફ્લાઇટ્સ રદ થવાથી દેશભરના એરપોર્ટ પર અવ્યવસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમસ્યા માટે એરલાઇને ક્રૂની અછત અને ટેકનિકલ સમસ્યાઓને જવાબદાર ગણાવી છે.

Indigo flight cancelled:દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગો હાલમાં નોંધપાત્ર વિક્ષેપનો સામનો કરી રહી છે. છેલ્લા ચાર દિવસથી ફ્લાઇટ્સ સતત વિલંબ અને રદ થવાથી મુસાફરો ગુસ્સે ભરાયા છે. ગુરુવારે જ 550 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેના કારણે દિલ્હી, હૈદરાબાદ, ગોવા અને મુંબઈ જેવા મુખ્ય એરપોર્ટ પર અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો. ખાનગી ટીવી ચેનલના અહેવાલો અનુસાર, દિલ્હી એરપોર્ટ પર હજારો બેગ વેરવિખેર જોવા મળી હતી. ઘણા મુસાફરો ફ્લોર પર સૂતા જોવા મળ્યા હતા, અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને એરપોર્ટ પર અંધાધૂંધીનો માહોલ હતો. દરમિયાન, આજે સવારથી દિલ્હી એરપોર્ટ પરથી 200 થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેમાં 135 પ્રસ્થાન અને 90 આગમનનો સમાવેશ થાય છે.
દિલ્હી એરપોર્ટ પર મુસાફરોએ એરલાઇન પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. એક મુસાફરે કહ્યું, "અમે લગ્નમાં જઈ રહ્યા હતા, અને અમારો સામાન ગાયબ છે. 12 કલાક પછી પણ, ઇન્ડિગોએ એક પણ શબ્દ કહ્યું નથી. આ માનસિક ત્રાસ છે." બીજી એક મહિલા મુસાફરે કહ્યું, "14 કલાક થઈ ગયા છે, અને અમને કોઈએ ખાવા પીવાનું શુધ્ધા પુછ્યું નથી. અમે સ્ટાફ સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ તેમને કોઈ જવાબ મળતો નથી."
હૈદરાબાદ અને ગોવામાં અંધાધૂંધી
હૈદરાબાદમાં, મુસાફરો એટલા ગુસ્સે હતા કે, ઘણા લોકો એર ઇન્ડિયાની ફ્લાઇટની સામે બેસી ગયા અને તેને રોકી દીધી. ત્યાં એક વ્યક્તિએ કહ્યું, "ફ્લાઇટ ગઈકાલે સાંજે 7:30 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ હવે તે 12 કલાક મોડી છે. ઇન્ડિગો કહી રહી છે કે અનિશ્ચિત વિલંબ થઈ શકે છે. આ મજાક છે."
ગોવા એરપોર્ટ પર પણ મુસાફરોએ ગુસ્સો વ્યક્ત કર્યો
વીડિયોમાં લોકો ઇન્ડિગોના સ્ટાફ પર બૂમો પાડી રહ્યા હતા, જેના કારણે પોલીસને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. દેશના વિવિધ શહેરોમાં ઇન્ડિગોની અસંખ્ય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેમ કે:
મુંબઈ: 118
બેંગલુરુ: 100
હૈદરાબાદ: 75
કોલકાતા: 35
ચેન્નાઈ: 26
ગોવા: 11
ભોપાલ: 5
ઇન્ડિગોનો ખુલાસો
ઇન્ડિગોએ સ્વીકાર્યું કે નવા નિયમોના કારણે ક્રૂની જરૂરિયાતોનું ખોટું મૂલ્યાંકન થયું છે. વધુમાં, શિયાળાની ઋતુ, ટેકનિકલ સમસ્યાઓ અને સ્ટાફની અછતને કારણે ફ્લાઇટ્સ પર ભારે અસર પડી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને આપેલા અહેવાલમાં, ઇન્ડિગોએ જણાવ્યું હતું કે તે નવા પાઇલટ-ક્રૂ ડ્યુટી નિયમોને અસ્થાયી રૂપે પાછા ખેંચી રહી છે. નાઇટ ડ્યુટી પહેલા સવારે 5 વાગ્યા સુધી લંબાવવામાં આવી હતી, પરંતુ હવે આ પાછી ખેંચી લેવામાં આવી છે. બે નાઇટ લેન્ડિંગની મર્યાદા પણ અસ્થાયી રૂપે હટાવી લેવામાં આવી છે.
હજુ ત્રણ દિવસ સુધી આ સ્થિતિ રહેશે
ઓથોરોટિએ જણાવ્યું કે,"આગામી ત્રણ દિવસ માટે ફ્લાઇટ્સ રદ કરવામાં આવશે. ઇન્ડિગોએ ચેતવણી આપી છે કે સમયપત્રક સામાન્ય થવામાં ઓછામાં ઓછા બે થી ત્રણ દિવસ લાગશે. વધુ વિક્ષેપ ટાળવા માટે એરલાઇને 8 ડિસેમ્બરથી તેના ફ્લાઇટ શેડ્યૂલમાં ઘટાડો કર્યો છે. ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે કર્મચારીઓને જણાવ્યું છે કે સમયસર ફ્લાઇટ્સ ફરી શરૂ કરવી સરળ રહેશે નહીં. "અમે પરિસ્થિતિ સુધારવા માટે અમારી બધી સમક્ષા સાથે કામ કરી રહ્યા છીએ,"





















