દિલ્હીઃ મધર ડેરીનું દૂધ 4 રૂપિયા સસ્તું મળશે, પણ કરવું પડશે આ કામ, જાણો વિગતે
દિલ્હીમાં હાલ 900 બૂથ પરથી દૈનિક સરેરાશ છ લાખ લિટર દૂધનું વેચાણ થાય છે અને વર્ષે આશરે 90 કરોડ રૂપિયા કેશની આવક થાય છે.
નવી દિલ્હીઃ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવાની દિશામાં મધર ડેરીને અનોખી પહેલ કરી છે. ડેરી ક્ષેત્રમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકને ઘટાડવા મધર ડેરીએ ટોકન દૂધવના ભાવમાં પ્રતિ લીટરે 4 રૂપિયાનો ઘટાડો કર્યો છે. એટલે કે દૂધ લેવા જતી વખતે સ્ટીલનું વાસણ લઈને જવું પડશે, જેનાથી સિંગલ યૂઝ પ્લાસ્ટિકના વપરાશમાં ઘટાડો થશે. મધર ડેરીએ અન્ય દૂધ ઉત્પાદક સંસ્થાઓને પણ આ પગલે ચાલવાની અપીલ કરી છે.
દિલ્હીમાં હાલ 900 બૂથ પરથી દૈનિક સરેરાશ છ લાખ લિટર દૂધનું વેચાણ થાય છે અને વર્ષે આશરે 90 કરોડ રૂપિયા કેશની આવક થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી દેશને મુક્ત કરવાની વાત કરી હતી. તેમણે દેશવાસીઓને ગાંધી જયંતિ, બે ઓક્ટોબરથી સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્ત માટે શરૂ કરવામાં આવનારા અભિયાનમાં સામેલ થવાનો આગ્રહ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે બાપુની 150મી જયંતી પર સ્વચ્છતાનો સંકલ્પ લો અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી આઝાદીનો સંકલ્પ લો.
દર વર્ષે આશરે 300 મિલિયન ટન પ્લાસ્ટિક પ્રોડ્યૂસ થાય છે. જેમાંથી 150 મિલિયન ટન પ્લાસ્ટિક સિંગલ યૂઝ હોય છે, એટલે કે આ પ્લાસ્ટિક આપણે એક વખત ઉપયોગ કરીને ફેંકી દઈએ છીએ. વિશ્વભરમાં માત્ર 10થી 13 ટકા પ્લાસ્ટિક રી-સાયકલ થાય છે.