દેશનું આ રાજ્ય મ્યુકરમાઈકોસિસના દર્દીઓની કરશે મફત સારવાર, જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં જોવા મળ્યો છે આ ઘાતક રોગ
ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રે તેની ફ્રી સારવાર કરવાની જાહેરાત કરી છે. મહરાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે, મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના હેઠળ મફત સારવાર કરવામાં આવશે. રાજ્યની 1000 હોસ્પિટલ્સમાં દર્દીઓ આ હેલ્થ સ્કીમ અંતર્ગત સારવાર કરાવી શકશે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ પહોંચી ગયો છે. આ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં કોરોના મુક્ત થયેલા લોકોમાં મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) નામનો રોગ જોવા મળી રહ્યો છે.
આ રોગની સારવાર ખૂબ મોંઘી હોવાથી ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રે તેની ફ્રી સારવાર કરવાની જાહેરાત કરી છે. મહરાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે, મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના (Mahatma Jyotiba Phule Jan Arogya Yojana ) હેઠળ મફત સારવાર કરવામાં આવશે. રાજ્યની 1000 હોસ્પિટલ્સમાં દર્દીઓ આ હેલ્થ સ્કીમ અંતર્ગત સારવાર કરાવી શકશે.
ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસના વધી રહેલા કેસના કારણે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરની સિવિલ હોસ્પિટલ્સમાં મ્યુકોરમાઈકોસિસ ના દર્દીઓ માટે અલાયદા વોર્ડ્સ શરૂ કરવામાં આવશે. મ્યુકોરમાઈકોસિસ રોગ વધુ ફેલાતો અટકાવવા માટે દર્દીઓને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. તેમ જ મ્યુકોરમાઈકોસિસ ની સારવાર માટે રૂ. ૩ કરોડ ૧૨ લાખના ખર્ચે એમ્ફોટિસીરીનના ૫૦૦૦ ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસના ૧૦૦થી વધુ કેસ ધ્યાનમાં આવ્યા છે.
મહારાષ્ટ્ર અને ગુજરાત સિવાય ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં આ પણ ઘાતક રોગ જોવા મળ્યો છે. જેના પરિણામે આગામી દિવસોમાં કોરોના બાદ વધુ એક જીવલેણ રોગ પણ તબાહી મચાવે તો નવાઈ નહીં.
મ્યુકરમાઇકોસિસના લક્ષણો
- એક બાજુનો ચહેરો સોજી જવો
- માથાનો દુખાવો
- નાક બંધ થવું કે સાઇનસની તકલીફ
- મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવા૦ વધવા
- આંખમાં દુખાવો, ઓછું કે ઝાંખુ દેખાવું
- તાવ આવવો, કફ વધવો ,છાતીમાં દુખાવો થવો
- શ્વાસ રૃંધાવો, પેટનો દુખાવો થવો
- ઉબકા આવવા કે ઉલટી થવી
- આંતરડામાં રક્તાવ થવો ,જેવા લક્ષણો જોવા મળે છે*.
મ્યુકર માઇકોસિસના દર્દીઓ શો ઉપચાર કરી શકે
- મ્યુકરમાઈકોસિસના ઉપચાર માટે ફૂગ પ્રતિરોધક દવાઓ લો
- એમ્ફોટેરિસિન-બી, પોસાકોનાઝોલ કે ઇસાવ્યુકોનાઝોલ અસરકારક ગણાય
- મ્યુકરમાઈકોસિસની સારવાર માટે શરીરના ફૂગ-સંક્રમિત સ્નાયુ-કોષને સર્જરીથી દૂર કરાવવા પડે
મ્યુકરમાઇકોસિસથી બચવા શું કરી શકાય
- મ્યુકરમાઈકોસિસથી બચવા માસ્ક પહેરો
- વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો
- ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરી દો





















