Mumbai: ફ્રાન્સમાં રોકવામાં આવેલું વિમાન મુંબઇ પહોંચ્યું, મહેસાણા જિલ્લાના 90થી વધુ મુસાફરો હતા સવાર
Mumbai: ફ્રાન્સમાં શંકાસ્પદ માનવ તસ્કરીના કારણે રોકવામાં આવેલી ફ્લાઈટ મંગળવારે વહેલી સવારે 276 મુસાફરોને લઈને મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી
Mumbai: ફ્રાન્સમાં શંકાસ્પદ માનવ તસ્કરીના કારણે રોકવામાં આવેલી ફ્લાઈટ મંગળવારે વહેલી સવારે 276 મુસાફરોને લઈને મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી. આ વિમાન ચાર દિવસથી ફ્રાંસમાં અટવાયું હતું. એક અધિકારીએ જણાવ્યું કે વિમાન (એરબસ A340) સવારે 4 વાગ્યે મુંબઈ પહોંચ્યું. પ્લેને સ્થાનિક સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે પેરિસ નજીકના વેટ્રી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. નોંધનીય છે કે આ વિમાનમાં મહેસાણાના 90 મુસાફરો સવાર હતા.
Aircraft with 303 Indian passengers held in France lands at Mumbai airport
— ANI Digital (@ani_digital) December 26, 2023
Read @ANI Story | https://t.co/EntWmNUi3t#France #MumbaiAirport pic.twitter.com/SY5lfsZOJ6
ફ્રાન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્લેન જ્યારે મુંબઈ માટે ટેકઓફ થયું ત્યારે તેમાં 276 મુસાફરો સવાર હતા. બે સગીર સહિત 25 લોકોએ ફ્રાન્સમાં આશ્રય માટે અરજી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી તેથી તેઓ ફ્રાન્સમાં રોકાયા છે. ફ્રેંચ મીડિયા અનુસાર, પ્લેનને રોક્યા બાદ બે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ પછી બંનેને છોડી મૂકવામાં આવ્યા હતા. જ્યારે વિમાન વેટ્રી એરપોર્ટ પર ઉતર્યું ત્યારે તેમાં સવાર 303 ભારતીય મુસાફરોમાંથી 11 સગીર સગીર હતા.
ફ્રાન્સમાં ભારતીય એમ્બેસીએ ટ્વીટ કર્યું કે આ મામલાના ઝડપી નિકાલ માટે ફ્રાન્સની સરકાર અને વેટ્રી એરપોર્ટનો આભાર. દૂતાવાસ સાથે નજીકથી કામ કરવા બદલ સરકારનો આભાર.
નોંધનીય છે કે માનવ તસ્કરીના આરોપમાં ફ્રાંસ સરકારે આ વિમાનને રોકી દીધું હતું. રોમાનિયાની લિજેન્ડ એરલાઈન્સના A340 વિમાને દુબઈથી નિકારાગુઆ માટે ઉડાન ભરી હતી. ટેકનિકલ ખામીના કારણે આ પ્લેન ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર લેન્ડ થયું હતું. આ દરમિયાન ફ્રાંસ સરકારને માહિતી મળી હતી કે આ પ્લેન દ્વારા માનવ તસ્કરી કરવામાં આવી રહી છે, ત્યારબાદ ફ્રાન્સે આ પ્લેનને રોકી દીધું હતું.
ફ્રાન્સમાં કોર્ટની સુનાવણી બાદ પ્લેન છોડવામાં આવ્યું
ફ્રાન્સની સરકારે મુસાફરોની અટકાયત કરી અને માનવ તસ્કરીના એંગલથી મામલાની તપાસ કરી હતી. ફ્રાન્સની કોર્ટે રવિવારે આ કેસની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન ચાર ન્યાયાધીશોએ અટકાયતમાં લેવાયેલા મુસાફરોની પૂછપરછ કરી હતી. ફ્રેન્ચ મીડિયાના અહેવાલો અનુસાર, મુસાફરોમાં ઘણા હિન્દી ભાષી અને ઘણા તમિલ ભાષી લોકો હતા. સુનાવણી પછી ન્યાયાધીશોએ પ્લેનને રવાના કરવાનો આદેશ આપ્યો અને તપાસ પ્રક્રિયામાં ઘણી અનિયમિતતાઓને ટાંકીને કેસની સુનાવણી પણ રદ કરી હતી.
લિજેન્ડ એરલાઈન્સના વકીલે કહ્યું હતું કે તેઓએ કંઈ ખોટું કર્યું નથી અને તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા છે. ફ્રાન્સમાં ભારતીય મુસાફરોની ફ્લાઈટ રોકી દેવામાં આવ્યા બાદ ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ પણ વેટ્રી એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ભારતીય મુસાફરોની સુવિધાઓની કાળજી લીધી હતી. ફ્રાંસમાં ફસાયેલા મુસાફરો માટે એરપોર્ટ પર જ બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેમના ખાવા-પીવાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી હતી.