ઓપરેશન 'સિંદૂર' બાદ પાકિસ્તાને પરમાણુ હુમલાની આપી હતી ધમકી ? વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું
વિદેશ સચિવ વિક્રમ મિસરી સોમવારે (19 મે, 2025) પાકિસ્તાન સંબંધિત મુદ્દાઓ પર સંસદીય સમિતિને માહિતી આપી હતી.

Operation Sindoor: વિદેશ સચિવ વિક્રમ મિસરી સોમવારે (19 મે, 2025) પાકિસ્તાન સંબંધિત મુદ્દાઓ પર સંસદીય સમિતિને માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે વિદેશ બાબતોની સંસદીય સમિતિને સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારતે પાકિસ્તાનમાં કોઈપણ પરમાણુ ઠેકાણા પર હુમલો કર્યો નથી.
શું પાકિસ્તાને પરમાણુ હુમલાની ધમકી આપી હતી ?
બેઠક દરમિયાન કેટલાક સભ્યોએ એવો પ્રશ્ન પણ પૂછ્યો કે શું પાકિસ્તાન તરફથી કોઈપણ પ્રકારના પરમાણુ હુમલાની કોઈ માહિતી કે ધમકી મળી હતી. આ અંગે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે પાકિસ્તાન તરફથી કોઈપણ પ્રકારના પરમાણુ હુમલાની ધમકી અથવા માહિતી નહોતી અને આ સંપૂર્ણપણે કન્વેંશનલ યુદ્ધ હતું.
શું પાકિસ્તાને ચીની હથિયારોનો ઉપયોગ કર્યો હતો ?
સંસદીય સમિતિના કેટલાક સભ્યોએ એવો પણ પ્રશ્ન કર્યો હતો કે શું પાકિસ્તાન દ્વારા ચીની હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? આના જવાબમાં, વિદેશ સચિવે કહ્યું કે તેમણે (પાકિસ્તાને) જે પણ હથિયારોનો ઉપયોગ કર્યો આપણી સેનાએ તેનો યોગ્ય જવાબ આપ્યો. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સંસદીય સમિતિને જણાવ્યું હતું કે આતંકવાદીઓ, લશ્કરી ગુપ્તચર એજન્સી અને પાકિસ્તાન વહીવટીતંત્ર વચ્ચે સ્પષ્ટ રુપથી સાંઠગાંઠ છે.
તેમણે કહ્યું, "સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા આતંકવાદીઓ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે અને ભારત વિરુદ્ધ સતત હિંસા ભડકાવે છે. પહેલગામ હુમલાની તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓનો સંપર્ક કર્યો હતો."
વિપક્ષે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે
પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ સરહદ પાર આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવીને ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. ભારતની જવાબી કાર્યવાહીને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસો સુધી તણાવ રહ્યો. 10 મેના રોજ બંને પક્ષો વચ્ચે સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી. ભારત-પાકિસ્તાન સીઝફાયર બાદ વિપક્ષી પક્ષોએ કેન્દ્ર સરકાર પાસે સર્વપક્ષીય બેઠક અને સંસોદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે.
ભારતે પહેલગામ હુમલાનો બદલો લીધો
22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી હતી. આ હુમલામાં એક નેપાળી પ્રવાસીએ પણ જીવ ગુમાવ્યો હતો. આ પછી, 6-7 મેની રાત્રે, ભારતે વળતો હુમલો કર્યો અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા અને તેમને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા, જેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આ જોઈને પાકિસ્તાન ગુસ્સે ભરાયું અને 7 થી 10 મે ની વચ્ચે તેણે ભારત પર ડ્રોન અને મિસાઈલથી શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા.





















