અમદાવાદ વિમાન દુર્ઘટના: PM મોદી આવતીકાલે સવારે ઘટનાસ્થળની મુલાકાત લેશે, પરિસ્થિતિનો તાગ મેળવશે
ભયાવહ પ્લેન ક્રેશમાં ૨૪૨માંથી એક જ વ્યક્તિ જીવિત હોવાની આશંકા; PM મોદીએ શોક વ્યક્ત કર્યો, ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિનું નિરીક્ષણ કર્યું.

PM Modi visit Ahmedabad plane crash: આજે ગુરુવારે અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે, શુક્રવારે, સવારે અમદાવાદની મુલાકાત લેશે. તેઓ ઘટનાસ્થળે જઈને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવશે અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને પણ મળી શકે છે.
PM મોદીનું ટ્વિટર નિવેદન અને મુલાકાત:
આ દુર્ઘટના બાદથી વડાપ્રધાન મોદી સતત તેના સંબંધિત માહિતી મેળવી રહ્યા છે. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, "અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને આઘાત અને દુઃખ પહોંચાડ્યું છે. આ એક હૃદયદ્રાવક ઘટના છે જે શબ્દોમાં કહી શકાય નહીં. આ દુઃખદ ક્ષણમાં, મારી સંવેદનાઓ તેનાથી પ્રભાવિત તમામ લોકો સાથે છે. હું મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું જે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે."
દુર્ઘટનાની વર્તમાન સ્થિતિ:
આ દુર્ભાગ્યપૂર્ણ વિમાનમાં કુલ ૨૪૨ લોકો સવાર હતા, જેમાંથી ફક્ત એક જ વ્યક્તિ જીવિત હોવાના અહેવાલ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, પરંતુ મોટાભાગના લોકોના મોત થયા હોવાની આશંકા છે.
આ અકસ્માત પછી, વિશ્વભરના નેતાઓએ તેના પર શોક વ્યક્ત કર્યો છે.
ગૃહમંત્રી અમિત શાહે પણ મુલાકાત લીધી:
આજે બપોરે અકસ્માત પછી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલોને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "વડાપ્રધાન, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વતી, હું આ ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું." તેમણે એમ પણ કહ્યું કે ઘટનાના માત્ર ૧૦ મિનિટમાં જ તેમણે મુખ્યમંત્રી, રાજ્ય ગૃહમંત્રી અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને બચાવ કામગીરીમાં લાગી ગયા છે.
અમિત શાહનું નિવેદન
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, "એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 બપોરે ક્રેશ થઈ ગઈ. ઘણા મુસાફરોના મોતની શક્યતા છે. આ ઘટનાથી આખો દેશ આઘાતમાં છે. આખો દેશ પરિવારો સાથે ઉભો છે. સૌ પ્રથમ, ભારત સરકાર, ગુજરાત સરકાર, અને વડા પ્રધાન વતી, હું પીડિતો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું."
ઘટનાની જાણકારી મળ્યાના ૧૦ મિનિટમાં જ ભારત સરકાર સુધી માહિતી પહોંચી ગઈ હોવાનું તેમણે ઉમેર્યું. તેમણે કહ્યું, "મેં તાત્કાલિક બધાનો સંપર્ક કર્યો. મને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ફોન આવ્યો. ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ વિભાગો રાહત અને બચાવ કાર્ય માટે સાથે મળીને કામ કરી રહ્યા છે."




















