PoK : કલમ 370 બાદ હવે PoKનો વારો? રાજનાથ સિંહનો ગર્ભિત ઈશારો
માત્ર વિલંબ જ નહીં, પરંતુ યુપીએ સરકાર દ્વારા જે અસરકારક પગલાં લેવાં જોઈતાં હતાં તે લેવાઈ શક્યાં નથી. આપણે એક સમયે પાકિસ્તાનને આતંકવાદથી પ્રભાવિત દેશ માનવાની ભૂલ કરી છે.
Pakistan Occupied Kashmir : કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર મોટું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહની પીઓકેને લઈને આપેલી ચેતવણીને લઈને કંઈક નવાજુની થવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, પીઓકેને લઈને આપણે કંઈ ખાસ કરવાની જરૂર નહીં રહે.
આ દરમિયાન રાજનાથે આતંકવાદ પર મોદી સરકારની કડક નીતિનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે, આતંકવાદે આ દેશમાં હજારો નિર્દોષ લોકોના જીવ લીધા છે. કમનસીબે, આતંકવાદને પ્રાયોજિત કરતી તાકાતને યોગ્ય જવાબ આપવામાં વિલંબ થયો છે. માત્ર વિલંબ જ નહીં, પરંતુ યુપીએ સરકાર દ્વારા જે અસરકારક પગલાં લેવાં જોઈતાં હતાં તે લેવાઈ શક્યાં નથી. આપણે એક સમયે પાકિસ્તાનને આતંકવાદથી પ્રભાવિત દેશ માનવાની ભૂલ કરી છે.
તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમારી સરકારે આતંકવાદ સામે અસરકારક કાર્યવાહી શરૂ કરી છે. દુનિયાને પહેલીવાર ખબર પડી કે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સનો અર્થ શું છે. ઉરી અને પુલવામાની ઘટનાઓ પછી અમારી સરકારે શું કર્યું તે બધા જાણે જ છે. જમ્મુ અને કાશ્મીર ખાસ કરીને આતંકવાદનો ભોગ બન્યું છે. અહીંના લોકો સારી રીતે જાણે છે કે ,આતંકવાદનું ઝેર સમાજને કેવી રીતે ખોખલું કરે છે. જમ્મુ-કાશ્મીરમાં દાયકાઓથી આતંકવાદનું નેટવર્ક કાર્યરત હતું. તેને નબળો પાડીને કડક કાર્યવાહી કરવામાં આવી છે.
રાજનાથે કહ્યું કે એક સમય હતો જ્યારે વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા આતંકવાદને રાજકીય હથિયાર તરીકે જોતો હતો, પરંતુ 9/11ની ઘટના બાદ તેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. અમેરિકા હવે સ્વીકારે છે કે, આતંકવાદ માનવતા વિરુદ્ધ વૈશ્વિક ગુનો છે. મુસ્લિમ દેશોમાં પણ એવો મત પ્રવર્તે છે કે આતંકવાદ અસ્વીકાર્ય છે. એટલે કે ભારત વર્ષોથી જે કહેતું હતું, હવે આખી દુનિયા એ જ વાત સ્વીકારવા લાગી છે.
પીઓકેને લઈ રાજનાથ સિંહનો ગંભીર ઈશારો
રાજનાથ સિંહે ચેતવણી આપતાં કહ્યું હતું કે, હું પાકિસ્તાન સરકારને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે, કાશ્મીરના રવાડે ચડીને કંઈ નહીં થાય. પહેલા તમારા ઘરનું ધ્યાન રાખો. ત્યાં જે પ્રકારની પરિસ્થિતિ છે એવામાં કંઈ પણ થાય તો આશ્વર્ય ના થવું જોઈએ. પીઓકે પર ગેરકાયદેસર કબજો કરી લેવાથી પાકિસ્તાનને તેના પર અધિકાર નથી મળી જતો. ભારતની સંસદમાં પીઓકે અંગે સર્વસંમત ઠરાવ છે કે તે ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે. આ હેતુ અંગે સંસદમાં એક નહીં પરંતુ ત્રણ ઠરાવો પસાર કરવામાં આવ્યા છે.
રાજનાથ સિંહે એમ પણ કહ્યું હતું કે, હવે તમે જોઈ રહ્યા છો કે પીઓકેમાં શું થઈ રહ્યું છે. મને લાગે છે કે આપણે વધારે કંઈ કરવાની જરૂર નથી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો પર જે જુલમ થઈ રહ્યો છે, ત્યાંથી જ માંગ ઉઠશે કે આપણે ભારતમાં ભળી જવું છે. તમે એ પણ જોયું હશે કે ત્યાંના લોકો અમને ભારતમાં ભેળવી દેવાના નારા લગાવી રહ્યા છે. આ કોઈ નાની સુની વાત નથી.