LG VS AAP : દિલ્હીના LGએ AAPને પકડાવ્યું રૂપિયા 97 કરોડનું ફરફરિયું, જાણો શું છે બિલ
એક સૂત્રએ જણાવ્યું હતું કે, ડીઆઈપીએ આ માટે પહેલા જ રૂ. 42.26 કરોડ ચૂકવી દીધા હતા અને પ્રકાશિત જાહેરાતો માટે હજુ રૂ. 54.87 કરોડ ચૂકવવાના બાકી છે.
LG vs Delhi Government: ફરી એકવાર દિલ્હી સરકાર અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સામ સામે આવી ગયા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ મુખ્ય સચિવને જાહેરાતો આપવાની આડમાં રાજનૈતિક વિજ્ઞાપન પ્રકાશીત કરવાના મામલે આમ આદમી પાર્ટી પાસેથી 97 કરોડ રૂપિયા વસુલવાનો આદેશ આપ્યો છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. તો બીજી બાજુ AAPએ કહ્યું હતું કે, એલજી પાસે આ પ્રકારના આદેશ આપવાનો કોઈ અધિકાર જ નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, 2016માં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી કમિટિ ઓન રેગ્યુલેશન ઓફ કન્ટેન્ટ ઇન ગવર્નમેન્ટ એડવર્ટાઇઝમેન્ટ્સ (સીસીઆરજીએ)ના નિર્દેશ પર કાર્યવાહી કરતા દિલ્હી સરકારના સૂચના અને પ્રચાર નિર્દેશાલય (ડીઆઇપી)એ અહેવાલ આપ્યો હતો કે રૂ. 97.14 કરોડ ( 97,14,69,137) ખર્ચવામાં આવ્યા હતા જે નિયમ અનુંસાર ન હતા.
એક સૂત્રએ જણાવ્યું હતું કે, ડીઆઈપીએ આ માટે પહેલા જ રૂ. 42.26 કરોડ ચૂકવી દીધા હતા અને પ્રકાશિત જાહેરાતો માટે હજુ રૂ. 54.87 કરોડ ચૂકવવાના બાકી છે. તેમણે જણાવ્યું હતું કે, નિર્દેશ મુજબ કાર્યવાહી કરતા 2017માં ડીઆઈપીને વધુ ચૂકવણી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. 42.26 કરોડ રૂપિયા તત્કાલ સરકારી તિજોરીમાં અને 54.87 કરોડ રૂપિયાની બાકી રકમ સીધી સંબંધિત જાહેરાત એજન્સીઓ અથવા પ્રકાશકોને 30 દિવસમાં ચુકવવા કહેવામાં આવ્યું છે.
'AAPએ ડીઆઈપીના આદેશનું પાલન કર્યું નથી'
સૂત્રએ કહ્યું હતું કે, પાંચ વર્ષ અને આઠ મહિના બાદ પણ 'આપ' એ ડીઆઈપીના આદેશનું પાલન કર્યું નથી. આ ખૂબ જ ગંભીર વાત છે કારણ કે, આ જાહેર નાણાં છે જેને પાર્ટીએ આદેશ આપ્યા હોવા છતાં સરકારી કોષમાં જમા કરાવ્યા નથી. એક નોંધણીકૃત રાજકીય પક્ષ દ્વારા સત્તાવાર આદેશની આ પ્રકારે અવગણના એ માત્ર ન્યાયતંત્રનો જ તિરસ્કાર જ નથી પરંતુ સુશાસનની દૃષ્ટિએ પણ યોગ્ય નથી.'
સુપ્રીમ કોર્ટે સરકારી જાહેરાતોને વિનિયમિત કરવા અને ખોટો ખર્ચ અટકાવવા માટે કેટલાક દિશાનિર્દેશ જાહેર કર્યા છે. તેમ છતાંયે માહિતી અને પ્રસારણ મંત્રાલયે 2016માં સરકારી જાહેરાતોમાં સામગ્રીના નિયમન સાથે સંબંધિત સમિતિઓ (RGAs)ની રચના કરી હતી. જેમાં ત્રણ સભ્યો હતાં. CCRGAએ બાદમાં DIP દ્વારા પ્રકાશિત જાહેરાતોને સુપ્રીમ કોર્ટની "માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતી" જાહેરતો ઓળખાવી બતાવી છે અને સપ્ટેમ્બર 2016માં એક આદેશ જારી કર્યો હતો.
AAPએ શિંગડા ભરાવ્યા
AAPના મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ઉપરાજ્યપાલના નિર્દેશને 'નવા પ્રેમ પત્ર' ગણાવ્યો છે. ભારદ્વાજે દાવો કર્યો હતો કે, ભાજપ, અમારૂ એક રાષ્ટ્રીય પક્ષ બનવા અને MCD દ્વારા તેમને સત્તા પરથી બહાર કરવાને લઈને ગભરાઈ ગયા છે. લેફ્ટનન્ટ ગવર્નર સાહેબ બધું જ બીજેપીના નિર્દેશો પર કરી રહ્યાં છે અને તેનાથી દિલ્હીની જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે. દિલ્હીના લોકોની જેટલી ચિંતા વધે તેટલી જ બીજેપી ખુશ થાય છે. તેમનું કહેવું છે કે, ઉપરાજ્યપાલના નિર્દેશો નિયમોની દાયરામાં આવતી નથી આવતા.
આપ નેતાએ એમ પણ કહ્યું હતું કે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પાસે કોઈ સત્તા નથી. તે કોઈ પણ નિર્દેશ લાગુ ના કરી શકે. તે કાયદાને અનુરૂપ નથી. અન્ય રાજ્ય સરકારો પણ જાહેરાતો કરતી જ રહે છે. ભાજપની જુદી જુદી રાજ્ય સરકારોએ પણ જાહેરાતો કરી જ છે જે અહીં પણ પ્રકાશિત થઈ છે. તો અમે પુછવા માંગીએ છીએ કે,જાહેરાતો પર ખર્ચ કરવામાં આવેલા 22,000 કરોડ રૂપિયા તેમની પાસેથી ક્યારે વસુલવામાં આવશે? જ્યારે પહેલા તેમની પાસેથી પૈસા વસુલવામાં આવે ત્યાર બાદ અમે પણ 97 કરોડ ચુકવી દઈશું.