(Source: ECI/ABP News/ABP Majha)
પંજાબ કૉંગ્રેસ વિવાદ: સિદ્ધુએ સોનિયા ગાંધીને 13 મુદ્દાઓ પર પત્ર લખ્યો, મળવાનો સમય પણ માંગ્યો
રાહુલ ગાંધી સાથેની બેઠક દરમિયાન પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત પણ હાજર હતા. હરીશ રાવતે કહ્યું કે સિદ્ધુએ રાહુલ ગાંધી સાથે પોતાની ચિંતાઓ શેર કરી.
પંજાબ કોગ્રેસમાં ચાલી રહેલો વિવાદ હજુ શાંત થયો નથી. નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. આ પત્રમાં નવજોત સિદ્ધુએ ડ્રગ્સ, દારૂ માફિયાઓ સહિત 13 મુદ્દાનો ઉલ્લેખ કરી સોનિયા ગાંધીને પત્ર લખી પંજાબ સરકારને આ મુદ્દાઓ પર કામ કરવાનું કહેવામાં આવે તેમ જણાવ્યું છે. આ 13 મુદ્દા પર ચર્ચા માટે સિદ્ધુએ સોનિયા ગાંધી પાસે સમય માંગ્યો છે. સિદ્ધુએ પોતાને પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ ગણાવી કહ્યું કે તેમની પાસે સરકાર પર નજર રાખવાની જવાબદારી છે.
સિદ્ધુએ કહ્યું કે સરકારમાં દલિત સમાજનો અવાજ મજબૂત કરવા માટે એક દલિતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે પરંતુ તેમ છતાં રાજ્યમાં સમાન રીતે તેમને સ્થાન મળ્યું નથી. સિદ્ધુએ માગણી કરી છે કે ચન્ની કેબિનેટમાં ધાર્મિક સમાજના ઓછામાં ઓછા એક સભ્યને મંત્રી બનાવવો જોઈએ, ઉપરાંત દોઆબા વિસ્તારમાંથી અને પછાત વર્ગમાંથી બે મંત્રી બનાવવા જોઈએ. સિદ્ધુએ સોનિયાને લખેલા પત્રથી સ્પષ્ટ છે કે રાહુલ ગાંધીને મળ્યા છતાં તેમની નારાજગીનો અંત આવ્યો નથી અને તેથી જ તેમણે હવે નવી રણનીતિ અપનાવી છે.
રાહુલ ગાંધી સાથેની બેઠક દરમિયાન પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત પણ હાજર હતા. હરીશ રાવતે કહ્યું કે સિદ્ધુએ રાહુલ ગાંધી સાથે પોતાની ચિંતાઓ શેર કરી. સિદ્ધુએ રાહુલ ગાંધીને આશ્વાસન આપ્યું હતું કે તેઓ રાજીનામું પાછું ખેંચી લેશે. તેઓ PCC પ્રમુખ તરીકે ફરી કામ શરૂ કરશે.
નવજોત સિંહ સિદ્ધુ શુક્રવારે રાહુલ ગાંધીને દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠક બાદ સિદ્ધુએ નક્કી કર્યું હતું કે તેઓ પંજાબ યુનિટનાં પ્રમુખ તરીકે ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, "ગમે તેટલી ફરિયાદો હતી, મેં તેને રાહુલ ગાંધી સાથે શેર કરી. તે બધું ઉકેલાઈ ગયું છે. "જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે, ત્યારે સિદ્ધુએ કહ્યું કે હું જે પણ કરી રહ્યો છું તે તમારી સામે જ છે.'
કેપ્ટન અમરિંદર સિંહની નારાજગી છતાં નવજોત સિંહ સિદ્ધુને કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આ વર્ષે 18 જુલાઈએ પ્રદેશ પાર્ટી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે વિવાદનો અંત આવ્યો ન હતો. આ પછી, 18 સપ્ટેમ્બરના રોજ, અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. આ પછી, 20 સપ્ટેમ્બરે ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જો કે બાદમાં ચન્ની સરકારના કેટલાક નિર્ણયોથી નારાજ થઈને સિદ્ધુએ રાજીનામું આપ્યું હતું.