Punjab Flood: પંજાબમાં ભારે વરસાદનો કેર યથાવત,23 જિલ્લામાં પૂર, 46ના મોત, 2 ગામડા ડૂબ્યાં
PM Modi Punjab Visit: પંજાબમાં 23 જિલ્લાઓ ભયાનક પૂરથી પ્રભાવિત છે, અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે અને પાકનો નાશ થયો છે. પ્રધાનમંત્રી મોદી 9 સપ્ટેમ્બરે ગુરદાસપુરની મુલાકાત લઈ શકે છે.

PM Modi Punjab Visit:પંજાબ આ દિવસોમાં ભયંકર પૂરની ઝપેટમાં છે. રાજ્યના 23 જિલ્લાઓના 1,996 ગામડાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે અને 1.75 લાખ હેક્ટર ખેતીલાયક જમીનમાં ઉભા પાકનો નાશ થયો છે. ભારે વરસાદને કારણે રાવી, સતલજ અને બિયાસ નદીઓ છલકાઈ ગઈ છે, જેના કારણે પરિસ્થિતિ વધુ પડકારજનક બની છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બરે પૂરગ્રસ્ત જિલ્લા ગુરદાસપુરની મુલાકાત લેશે. તેઓ અસરગ્રસ્ત લોકો અને ખેડૂતોને સીધા મળશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF), સેના, સરહદ સુરક્ષા દળ, પંજાબ પોલીસ અને જિલ્લા અધિકારીઓ રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે. અત્યાર સુધીમાં 22,854 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યભરમાં 200 રાહત શિબિરો બનાવવામાં આવ્યા છે, જ્યાં 7,000 થી વધુ વિસ્થાપિત લોકોએ આશ્રય લીધો છે.
ઘગ્ગર નદીનું પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર
પોંગ ડેમનું પાણીનું સ્તર 1,394.19 ફૂટ પર પહોંચી ગયું છે, જે ઉપલી મર્યાદાથી ચાર ફૂટ ઉપર છે. ભાખરા ડેમનું પાણીનું સ્તર 1,678,14 ફૂટ નોંધાયું હતું. ઘગ્ગર નદીનું પાણીનું સ્તર પણ 750 ફૂટના ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે.
પંજાબના નાણામંત્રી હરપ્રીત સિંહ ચીમાએ શું કહ્યું?
રાજ્યના નાણામંત્રી હરપ્રીત સિંહ ચીમાએ તેને પાંચ દાયકામાં સૌથી ભયાનક પૂર ગણાવ્યું. તેમણે કહ્યું કે, ભારે વરસાદને કારણે પંજાબ અને પડોશી પહાડી રાજ્યોના લગભગ 2,૦૦૦ ગામડાઓ પ્રભાવિત થયા છે. કુલ 3.87 લાખ લોકો પ્રભાવિત થયા છે. ફિરોઝપુર જિલ્લામાં એક 5૦ વર્ષીય વ્યક્તિનું જોરદાર પ્રવાહમાં તણાતાં મૃત્યુ નિપજ્યુ છે.
પંજાબના 18 જિલ્લાઓમાં પાકને નુકસાન થયું
પૂરને કારણે 18 જિલ્લાઓમાં વ્યાપક કૃષિ નુકસાન થયું છે. આ ઉપરાંત, ઘરો, પશુધન અને માળખાગત સુવિધાઓને ભારે નુકસાન થયું છે. અધિકારીઓનું કહેવું છે કે, રાહત કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, 24 NDRF ટીમો અને બે SDRF ટીમો 144 બોટ સાથે બચાવ કામગીરીમાં રોકાયેલા છે.
રાજ્યમાં રાહત અને બચાવ કાર્યની સાથે, પાણીના સ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પોંગ અને ભાખરા ડેમમાં પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. પંજાબમાં આ પૂરને અત્યાર સુધીની સૌથી ગંભીર અને વ્યાપક આફતોમાંની એક માનવામાં આવે છે, અને રાહત કાર્ય ચાલુ છે.





















