આધાર લિંક નથી તો ફક્ત રાત્રે જ બુક કરી શકશો રેલવે ટિકિટ, રિઝર્વેશન પર આવ્યો નવો નિયમ
રેલવેની ટિકિટમાં થતી છેતરપિંડી અટકાવવા અને મુસાફરોને વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે રેલવેએ એક મોટું પગલું ભર્યું છે.

રેલવેની ટિકિટમાં થતી છેતરપિંડી અટકાવવા અને મુસાફરોને વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે રેલવેએ એક મોટું પગલું ભર્યું છે. હવે એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (ARP) ના શરૂઆતના દિવસે ઓનલાઈન ટિકિટ બુકિંગ ફક્ત આધાર-વેરિફાઈડ IRCTC એકાઉન્ટ દ્વારા જ શક્ય બનશે. જે મુસાફરોના એકાઉન્ટ આધાર સાથે લિંક નથી તેઓ ફક્ત ચોક્કસ સમય સ્લોટ દરમિયાન જ ટિકિટ બુક કરી શકશે. 12 જાન્યુઆરી, 2026થી આધાર ID વગર ઓનલાઈન ટિકિટ બુકિંગ શક્ય બનશે નહીં.
29 ડિસેમ્બર, 2025થી એડવાન્સ રિઝર્વેશન પિરિયડના શરૂઆતના દિવસે સવારે 8:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી ફક્ત આધાર વેરિફાઈ યુઝર્સ જ ઓનલાઈન રિઝર્વ ટિકિટ બુક કરી શકશે. વધુમાં 5 જાન્યુઆરી, 2026થી શરૂ કરીને સમય મર્યાદા સવારે 8:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી લંબાવવામાં આવશે. ત્યારબાદ 12 જાન્યુઆરી, 2026થી ઓપનિંગ ડે પર સવારે શરૂઆતના દિવસે સવારે 8:૦૦ થી રાત્રે 12:૦૦ વાગ્યા સુધી ટિકિટ બુકિંગ ફક્ત આધાર-વેરિફાઇડ એકાઉન્ટ્સ દ્વારા જ શક્ય બનશે. રેલવેએ જણાવ્યું હતું કે આ નિયમ ફક્ત ઓનલાઈન બુકિંગ પર જ લાગુ પડશે. PRS (પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ) કાઉન્ટર દ્વારા હાલની ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
ફેક એકાઉન્ટ્સ પર કડક કાર્યવાહી
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલું નકલી એકાઉન્ટ્સના નેટવર્કને દૂર કરવા માટે લેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આશરે 3 કરોડ નકલી IRCTC એકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યા છે. 3 કરોડ વધુ એકાઉન્ટ્સને ઓળખવા અને બંધ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કુલ આશરે 6 કરોડ નકલી એકાઉન્ટ્સ નિષ્ક્રિય થવાની અપેક્ષા છે.
રેલવે અધિકારીઓ કહે છે કે આધાર-આધારિત વેરિફિકેશન સાચા યુઝર્સની ઓળખ સુનિશ્ચિત કરશે અને નકલી પ્રોફાઇલ્સ દ્વારા બલ્ક બુકિંગ અટકાવશે. ઓનલાઈન બુકિંગ વિન્ડોને ફક્ત આધાર-પ્રમાણિત યુઝર્સ સુધી મર્યાદિત રાખવાથી છેતરપિંડી અને અન્યાયી પ્રથાઓ અટકશે. આનાથી સાચા મુસાફરો માટે ટિકિટની સરળ ઍક્સેસ સુનિશ્ચિત થશે અને ભારતીય રેલવેની ઓનલાઈન રિઝર્વેશન સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ મજબૂત થશે.
જાન્યુઆરી 2026માં નવા નિયમો અમલમાં આવશે ત્યારે કોઈપણ સમસ્યા ટાળવા માટે મુસાફરોને સમયસર તેમના IRCTC એકાઉન્ટ્સને આધાર સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે.





















