Rajya Sabha: રાજ્યસભાની 57 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત, જાણો 15 રાજ્યની કેટલી બેઠકો પર થશે મતદાન ?
રાજ્યસભાની 57 બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ માટે 15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો માટે 10 જૂને ચૂંટણી યોજાશે
નવી દિલ્હીઃ રાજ્યસભાની 57 બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ માટે 15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો માટે 10 જૂને ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે ગુરુવારે કહ્યું હતું કે જૂન અને ઓગસ્ટ વચ્ચે રાજ્યસભાના ઘણા નેતાઓનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.
રાજ્યસભામાં જે નેતાઓનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે તેમાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, કોંગ્રેસના નેતાઓ અંબિકા સોની, જયરામ રમેશ, કપિલ સિબ્બલ અને બસપા નેતા સતીશ ચંદ્ર મિશ્રાનો સમાવેશ થાય છે. આ તમામની મુદત 21 જૂનથી 1 ઓગસ્ટની વચ્ચે પૂરી થાય છે.
ક્યાંથી કેટલી બેઠકો ખાલી થશે?
ઉત્તર પ્રદેશમાં 11 બેઠકો ખાલી પડી રહી છે. તમિલનાડુ-મહારાષ્ટ્રમાંથી છ-છ સભ્યો, બિહારમાંથી પાંચ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાંથી ચાર-ચાર સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. મધ્યપ્રદેશ-ઓડિશામાંથી ત્રણ, તેલંગાણા, છત્તીસગઢ, પંજાબ, ઝારખંડ અને હરિયાણામાંથી બે-બે અને ઉત્તરાખંડમાંથી એક સભ્યની મુદત પૂર્ણ થઈ રહી છે.
24મી મેના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે
24મી મેના રોજ મતદાન માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને 10મી જૂને મતદાન યોજાશે. વર્તમાન પરંપરા અનુસાર, મત ગણતરી મતદાન સમાપ્ત થયાના એક કલાક પછી થશે. મોટાભાગના નવા ચૂંટાયેલા સભ્યો જુલાઈમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરે તેવી અપેક્ષા છે.
અપક્ષ ઉમેદવાર તરીકે રાજ્યસભાની ચૂંટણી લડીશઃ સંભાજીરાજે
રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય સંભાજીરાજે છત્રપતિએ જાહેરાત કરી છે કે તેઓ સંસદના ઉપલા ગૃહની આગામી ચૂંટણી સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડશે. તેમણે અહીં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નવા સંગઠન 'સ્વરાજ'ની સ્થાપનાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યસભામાં નોમિનેટ થયા બાદ મારા છ વર્ષના કાર્યકાળ દરમિયાન મેં સમાજ માટે જે કામ કર્યું છે તે જોતાં હું ફરીથી રાજ્યસભાનો સભ્ય બનવા માટે હકદાર છું અને મને ખાતરી છે કે મને સમર્થન મળશે.