ખુશખબર! આ રાજ્યના કર્મચારીઓને મળશે ૨૫% DA, સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યો ૩ મહિનાનો સમય
જસ્ટિસ સંજય કરોલ અને સંદીપ મહેતાની બેન્ચે આપ્યો વચગાળાનો આદેશ; રાજ્યના લાખો કર્મચારીઓ માટે મોટી રાહત; વિપક્ષ નેતા સુવેન્દુ અધિકારીએ SCના નિર્ણયને મોટી જીત ગણાવી, મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી.

Supreme Court DA order West Bengal: પશ્ચિમ બંગાળના લાખો રાજ્ય સરકારી કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટ તરફથી એક મોટી રાહતના સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જીની સરકારને રાજ્ય સરકારી કર્મચારીઓને બાકી રહેલા ૨૫% મોંઘવારી ભથ્થું (DA) ત્રણ મહિનાની અંદર ચૂકવી દેવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય લાંબા સમયથી પોતાના હકની લડાઈ લડી રહેલા કર્મચારીઓ માટે એક મોટી જીત સમાન છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે પશ્ચિમ બંગાળ સરકારને નિર્દેશ આપતો વચગાળાનો આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ, રાજ્ય સરકારે તેના લાખો કર્મચારીઓને બાકી રહેલા DA ના ૨૫ ટકા રકમ આગામી ત્રણ મહિનાની અંદર ચૂકવી દેવી પડશે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી હવે ઓગસ્ટ મહિનામાં થશે. સમાચાર એજન્સી આઈએએનએસના અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટના આ આદેશને રાજ્યના કર્મચારીઓ માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે, જેઓ ઘણા સમયથી DA માટે કાનૂની લડાઈ લડી રહ્યા હતા.
સુવેન્દુ અધિકારીની પ્રતિક્રિયા અને મમતા સરકાર પર પ્રહાર
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય સુવેન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી. તેમણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો દ્વારા આપવામાં આવેલા આ નિર્દેશનું સ્વાગત કર્યું અને તેને પશ્ચિમ બંગાળ સરકારના કર્મચારીઓ માટે એક મોટી જીત ગણાવી. સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે, આ એ જ કર્મચારીઓ છે જે લાંબા સમયથી રાજ્ય સરકારની કઠોરતા અને અન્યાય સામે લડી રહ્યા હતા અને પહેલા ટ્રિબ્યુનલ અને પછી સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
તેમણે જણાવ્યું કે, ભાજપ સાથે જોડાયેલા કર્મચારી પરિષદ (રાષ્ટ્રવાદી પશ્ચિમ બંગાળ સરકારી કર્મચારીઓનું સંગઠન) એ આ કાનૂની લડાઈમાં આગેવાની લીધી હતી. તેમણે મમતા સરકારના દમન સામે અવાજ ઉઠાવનારા સંગઠનના તમામ સભ્યો અને પદાધિકારીઓને આ વિજય બદલ અભિનંદન પાઠવ્યા.
સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, એક સમયે મમતા બેનર્જીએ કહ્યું હતું કે DA એ અધિકાર નથી, પરંતુ આજે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે DA ખરેખર કર્મચારીઓનો અધિકાર છે. તેમણે આશા વ્યક્ત કરી કે મમતા બેનર્જી વર્ષોથી લાખો રાજ્ય સરકારી કર્મચારીઓના અધિકારોને નકારવાની જવાબદારી સ્વીકારશે અને પોતાના પદ પરથી રાજીનામું આપશે. તેમણે કર્મચારીઓનું કોર્ટમાં પ્રતિનિધિત્વ કરનારા વરિષ્ઠ વકીલ પરમજીત સિંહ પટવાલા, પ્રખ્યાત વકીલ બાંસુરી સ્વરાજ અને અન્ય તમામ વકીલોનો પણ આભાર માન્યો.





















