પાણી છોડવા પાકિસ્તાને ભારત સામે કરી આજીજી... જયશંકરે કહ્યું - 'સિંધુ જળ સંધિમાં ફેરફાર....’
જયશંકરે ગુરુવારે હોન્ડુરાસ દૂતાવાસના ઉદ્ઘાટન પ્રસંગે આપ્યું નિવેદન; વિદેશ મંત્રીએ કહ્યું આતંકવાદ અને PoK પર જ વાત થશે, કોઈપણ ત્રીજા દેશની દખલગીરી સ્વીકાર્ય નથી.

Jaishankar Indus Water Treaty statement: ભારત-પાકિસ્તાન તણાવ અને સિંધુ જળ સંધિ અંગે પાકિસ્તાન દ્વારા કથિત પાણી છોડવાની વિનંતીના મુદ્દા વચ્ચે, ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગુરુવારે (૧૫ મે) એક અત્યંત સ્પષ્ટ અને મક્કમ નિવેદન આપ્યું હતું. તેમણે ભારતના વલણને સ્પષ્ટ કરતા જણાવ્યું કે, સિંધુ જળ સંધિ હાલ સ્થગિત રહેશે અને પાકિસ્તાન દ્વારા સરહદ પારના આતંકવાદ સાથેના તેના સંબંધો સંપૂર્ણપણે સમાપ્ત ન થાય ત્યાં સુધી તેમાં કોઈ ફેરફાર થશે નહીં.
દિલ્હીમાં હોન્ડુરાસ દૂતાવાસના ઉદ્ઘાટન પ્રસંગે મીડિયાકર્મીઓના પ્રશ્નોના જવાબ આપતાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પાકિસ્તાન સાથેના સંબંધો, સિંધુ જળ સંધિ અને આતંકવાદના મુદ્દે ભારતના વલણને સ્પષ્ટ કર્યું. તેમણે જણાવ્યું કે, "પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે અને જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદ સાથેના તેના સંબંધો સંપૂર્ણપણે સમાપ્ત ન કરે ત્યાં સુધી તે સ્થગિત રહેશે." તેમણે એમ પણ ઉમેર્યું કે, ૧૩ મેના રોજ ભારતે પુષ્ટિ કરી હતી કે પાકિસ્તાન સાથેનો યુદ્ધવિરામ કરાર સિંધુ જળ સંધિને સ્થગિત કરવા સહિત ભારતના અગાઉના પગલાંને કોઈપણ રીતે અસર કરતો નથી.
પાકિસ્તાન સાથે વાતચીતની શરતો
વિદેશ મંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે, જો પાકિસ્તાન સાથે વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ અને પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજા હેઠળના કાશ્મીર (PoK) ને ખાલી કરવાના મુદ્દા પર જ થશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "હવે જો કાશ્મીર વિશે ચર્ચા કરવા માટે ફક્ત એક જ વિષય બાકી છે, તો તે છે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજા હેઠળના કાશ્મીર (POK) ને ખાલી કરવાનો અને અમે તેના પર ચર્ચા કરવા તૈયાર છીએ." જયશંકરે ભારપૂર્વક જણાવ્યું કે, ભારત PoK ના મુદ્દા પર કોઈપણ ત્રીજા દેશની દખલગીરી સ્વીકારશે નહીં અને બંને દેશો વચ્ચે કોઈપણ ત્રીજા પક્ષ દ્વારા દખલગીરી સહન કરવામાં આવશે નહીં. તેમણે યાદ અપાવ્યું કે બંને દેશો વચ્ચે વર્ષોથી એક કરાર છે કે તેમના સંબંધો અને વ્યવહાર સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે, અને તેમાં કોઈ ફેરફાર થયો નથી.
આતંકવાદ અને 'ઓપરેશન સિંદૂર'
ડૉ. જયશંકરે આતંકવાદ પ્રત્યે ભારતની શૂન્ય સહિષ્ણુતાની નીતિને ફરીથી સ્પષ્ટ કરી. તેમણે જણાવ્યું કે, પીએમ મોદીએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત આતંકવાદ પર જ થશે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને તેના આતંકવાદી માળખાને બંધ કરવું જ પડશે, તેઓ જાણે છે કે શું કરવું. અમે તેમની સાથે આતંકવાદ અંગે ચર્ચા કરવા તૈયાર છીએ અને આ વાટાઘાટો શક્ય છે.
'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનમાં થયેલી કાર્યવાહી અંગે તેમણે કહ્યું કે, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા અને તેમને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા. તેમણે જણાવ્યું કે, "પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર માટે અમને ઘણું આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું." તેમણે એમ પણ ઉમેર્યું કે, આ કાર્યવાહી દ્વારા ગુનેગારોને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ મુજબ જવાબદાર ઠેરવવામાં આવ્યા.





















