શું દેશમાં ફરીથી લોકડાઉન આવશે ? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યને કહ્યું- Lockdown અંગે વિચાર....
સુપ્રીમે કરેલા આદેશમાં કહ્યું કે કેંદ્ર અને રાજ્ય સરકારો સામૂહિક સમારોહ જેવા કાર્યક્રમો કે જેનાથી કોરોના સંક્રમણ ફેલાઈ શકે છે તેવા કાર્યક્રમો પ્રતિબંધ લગાવવા જોઈએ.
દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. દેશમાં બેકાબૂ બની રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સુપ્રીમે સ્વયં સંજ્ઞાન લઈ સુઓમોટો અરજી દાખલ કરી હતી. સુઓમોટો અરજી પર છેલ્લા કેટલાક દિવસોથી સુનાવણી ચાલી રહી છે. આ વચ્ચે જ રવિવારે કેંદ્ર અને રાજ્ય સરકારોને કોરોના સંક્રમણની ચેઈન તોડવા લોકડાઉન લાગુ કરવા વિચારવાની સૂચના આપી છે. સુપ્રીમે કહ્યું કે કોરોના મહામારીની બીજી લહેરમાં સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારોએ વાયરસને પ્રસરતો અટકાવવા અને સંક્રમણની ચેઈન તોડવા પર ધ્યાન આપવાની જરૂરિયાત છે.
સુપ્રીમે કરેલા આદેશમાં કહ્યું કે કેંદ્ર અને રાજ્ય સરકારો સામૂહિક સમારોહ જેવા કાર્યક્રમો કે જેનાથી કોરોના સંક્રમણ ફેલાઈ શકે છે તેવા કાર્યક્રમો પ્રતિબંધ લગાવવા જોઈએ. તો કોરોનાની તિવ્રતાને ધ્યાને લઈ સરકાર લોકડાઉન લગાવા પર પણ વિચાર કરી શકે છે. કોર્ટે એ પણ કહ્યું કે લોકડાઉન દરમિયાન નાના અને શ્રમિક વર્ગને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા કરવાની રહેશે. વધુમાં કહ્યું કે લોકડાઉનની આર્થિક અને સામાજિક અસરથી પરિચિત છીએ. ખાસ કરીને ગરીબો પર તેની સૌથી વધુ અસર પડે છે. ત્યારે જો લોકડાઉન લાગુ કરવાની આવશ્યકતા જણાય તો સરકારોએ ગરીબોની જરૂરિયાતો પૂરી થઈ શકાય તે પ્રકારની વ્યવસ્થા પહેલા જ કરવી જોઈએ.
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. શનિવાર દેશમાં પ્રથમ વખત ચાર લાખથી વધારે કેસ નોંધાયા હતા. જ્યારે રવિવારે થોડા રાહતના સમાચાર આવ્યા છે. રવિવારે કેસ ઘટીને ત્રણ લાખ 68 હજાર નવા કેસ સામે આવ્યા છે. જ્યરે એક જ દિવસમાં 3417 લોકોના મોત થયા છે. જ્યરે 3 લાખ 732 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
એક્ટિવ કેસ 34 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,68,147 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3689 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,00,732 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 99 લાખ 25 હજાર 604
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 62 લાખ 93 હજાર 003
કુલ એક્ટિવ કેસ - 34 લાખ 13 હજાર 642
કુલ મોત - 2 લાખ 18 હજાર 959
15 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 71 લાખ 98 હજાર 207 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.