Vice President Salary: ભારતના ઉપ રાષ્ટ્રપતિને કેટલો પગાર મળે છે? કેટલી સુવિધાઓના હકદાર હોય છે ઉપ રાષ્ટ્રપતિ
ભાજપે શનિવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. ત્યાર બાદ આજે વિપક્ષી પાર્ટીઓએ માર્ગરેટ અલ્વાની ઉપ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પસંદગી કરી છે.
Vice President Election 2022: ભાજપે શનિવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. ત્યાર બાદ આજે વિપક્ષી પાર્ટીઓએ પણ તેમના ઉમેદવાર જાહેર કર્યા છે અને માર્ગરેટ અલ્વાની ઉપ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પસંદગી કરી છે. ભારતના ઉપ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી 6 ઓગસ્ટના રોજ થવાની છે. ત્યારે આવો તમને જણાવીએ કે ભારતના ઉપ રાષ્ટ્રપતિને કેટલો પગાર મળે છે અને કઈ સુવિધાઓ મળે છે.
દેશના ઉપ રાષ્ટ્રપતિનો પગાર 'સંસદ અધિકારીના પગાર અને ભથ્થા અધિનિયમ એક્ટ, 1953' હેઠળ નક્કી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ભારતના ઉપ રાષ્ટ્રપતિ તેમના હોદ્દાની રુએ રાજ્યસભાના અધ્યક્ષ પણ હોય છે, તેથી તેમને સભાપતિનો (રાજ્યસભા અધ્યક્ષ) પગાર અને સુવિધાઓ ચૂકવવામાં આવે છે.
ઉપ રાષ્ટ્રપતિને કેટલો પગાર મળે છે?
અહેવાલો અનુસાર, ઉપ રાષ્ટ્રપતિને દર મહિને 4 લાખ રૂપિયાનો પગાર મળે છે. આ સિવાય તેમને અનેક પ્રકારના ભથ્થા પણ મળે છે. ભારતના ઉપરાષ્ટ્ર પતિ દૈનિક ભથ્થું, મફત આવાસ, તબીબી સુવિધા, મુસાફરી અને અન્ય સુવિધાઓ માટે હકદાર છે. ઉપ રાષ્ટ્રપતિને પેન્શન પણ મળે છે અને પેન્શનની રકમ તેમના પગારના 50% હોય છે.
શું જગદીપ ધનખડ બનશે ઉપ રાષ્ટ્રપતિ?
ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, રાજ્યસભા અને લોકસભાના સભ્યો દેશના ઉપ રાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાન કરે છે. સંસદમાં વર્તમાન સંસદ સભ્યોની કુલ સંખ્યા 780 છે, જેમાંથી ભાજપના 394 સાંસદો છે. ઉપ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીતવા માટે 390થી વધુ વોટની જરૂર હોય છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે, NDAના ઉમેદવાર જગદીપ ધનખડ દેશના આગામી ઉપ રાષ્ટ્રપતિ બનશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે.
ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી ક્યારે?
ચૂંટણી પંચે ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 5 જુલાઈના રોજ જાહેરનામું બહાર પાડ્યું હતું. 6 ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાશે અને 19 જુલાઈ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે.