West Bengal: મમતા બેનરજીએ બંગાળમાં લોકસભાની પેટાચૂંટણીમાં બોલીવુડના ક્યા દિગ્ગજ અભિનેતાને આપી ટિકિટ ? બાબુલ સુપ્રિયો ક્યાંથી લડશે ?
West Bengal bypolls : પશ્ચિમ બંગાળમાં આસનસોલ લોકસભા બેઠક તેમજ બેલ્લીગુંગે વિધાનસભા બેઠક પર પેટચૂંટણી યોજાવાની છે.
West Bengal: ગોવા વિધાનસભા ચૂંટણી બાદ હવે તૃણમૂલ કોંગ્રેસની નજર પશ્ચિમ બંગાળમાં થનાર લોકસભા પેટચૂંટણી અને વિધાનસભા પેટચૂંટણી પર છે. પશ્ચિમ બંગાળમાં આસનસોલ લોકસભા બેઠક તેમજ બેલ્લીગુંગે વિધાનસભા બેઠક પર પેટચૂંટણી યોજાવાની છે. TMCએ આ બંને પેટાચૂંટણી પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. આ બંને ઉમેદવાર ભારતીય રાજકારણ તેમજ મનોરંજન ક્ષેત્રની હસ્તીઓ છે.
આસનસોલ લોકસભા બેઠક પર કોને મળી ટિકિટ
પશ્ચિમ બંગાળમાં આસનસોલ લોકસભા બેઠક પર થનારી પેટાચૂંટણી માટે TMCએ પ્રખ્યાત બૉલીવુડ અભિનેતા શત્રુઘ્ન સિંહાને ટિકિટ આપી છે. આસનસોલ લોકસભા બેઠક પર પૂર્વ ભાજપ નેતા અને હાલમાં TMC નેતા બાબુલ સુપ્રિયો 2019ની લોકસભા ચૂંટણીમાં જીત્યા હતા. સપ્ટેમ્બર 2021માં બાબુલ સુપ્રિયો આસનસોલના સાંસદ પદેથી તેમજ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી.
બાબુલ સુપ્રિયો ક્યાંથી લડશે ચૂંટણી ?
આસનસોલના સાંસદ પદેથી તેમજ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયેલા બાબુલ સુપ્રિયોને TMCએ બેલ્લીગુંગે વિધાનસભા બેઠકની ટિકિટ આપી છે. બેલ્લીગુંગે વિધાનસભા બેઠક પરથી ગત વિધાનસભા ચૂંટણીમાં દિગ્ગ્જ TMC નેતા સુબ્રતા મુખરજી જીત્યા હતા. તેઓ બંગાળ કેબિનેટના મંત્રી પણ બન્યા હતા. 4 નવેમ્બર 2021ના રોજ તેમનું અવસાન થતા બેલ્લીગુંગે વિધાનસભા બેઠક ખાલી પડી હતી.
ગોવામાં કેવું રહ્યું TMCનું પ્રદર્શન ?
ગયા વર્ષે પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત અટકાવનાર તૃણમૂલ કોંગ્રેસે પ્રથમ વખત ગોવામાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. જોકે, તે ગોવાની ચૂંટણીમાં પાર્ટી પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહી છે.
TMC ગોવા યુનિટે તેના ટ્વિટર હેન્ડલ પર કહ્યું, “અમે આ આદેશને પૂરી નમ્રતા સાથે સ્વીકારીએ છીએ. અમે ગોવાના દરેક લોકોનો વિશ્વાસ અને પ્રેમ જીતવા માટે સખત મહેનત કરવા પ્રતિબદ્ધ છીએ. તે કેટલો સમય લેશે તેનાથી કોઈ ફરક પડતો નથી, અમે અહીં છીએ અને અમે ગોવાના લોકોની સેવા કરવાનું ચાલુ રાખીશું."