PM મોદી અને મમતા બેનર્જી વચ્ચે આશરે 40 મિનિટ સુધી ચાલી બેઠક, જાણાવ્યું ક્યાં મુદ્દાઓ પર થઈ ચર્ચા ?
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે પીએમ મોદી સાથે તેમના આવાસ પર મુલાકાત કરી હતી. બંગાળની ચૂંટણી બાદ પીએમ મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આ પ્રથમ મુલાકાત હતી.
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે તેમના આવાસ પર મુલાકાત કરી હતી. પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ પીએમ મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આ પ્રથમ મુલાકાત હતી.
બેઠક બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે મે પીએમ મોદી સાથે કોરોના પર વાત કરી હતી. વધારે વેક્સિન અને દવાઓ આપવા વિશે વાત કરી હતી. જનસખ્યાના હિસાબે અન્ય રાજ્યોના મુકાબલે બંગાળને ઓછી રસી મળી છે. ત્રીજી લહેર પહેલા તમામને વેક્સિનેશન જરુરી છે.
બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા પછી, ટીએમસીના વડા મમતા બેનર્જીએ હવે રાષ્ટ્રીય રાજકારણમાં પણ તેમના પ્રવેશને મજબૂત બનાવવાનું શરૂ કર્યું છે. કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધી મોરચાને એક કરવાના સંબંધમાં મમતા દિલ્હી પહોંચી ગયા છે. તે વિપક્ષી નેતાઓને એક કરવાની યોજના બનાવી રહ્યા છે.
મમતા બેનર્જી પાંચ દિવસીય દિલ્હી પ્રવાસ પર
બંગાળના સીએમ મમતા બેનર્જી પાંચ દિવસીય દિલ્હી પ્રવાસ પર છે. માનવામાં આવે છે કે મમતા બેનર્જી તેમની પાંચ દિવસીય દિલ્હીની મુલાકાત દરમિયાન વિપક્ષોને એક કરવા પ્રયાસ કરશે. મમતા બેનર્જીની આ દિલ્હી મુલાકાત એક એવા સમયે થઈ રહી છે જ્યારે સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને ગૃહમાં રોજેરોજ હંગામો થાય છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કમલનાથ અને આનંદ શર્મા સાથે મુલાકાત કરી
વડાપ્રધાન મોદીને મળતા પહેલા મમતાએ આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કમલનાથ અને આનંદ શર્મા સાથે મુલાકાત કરી હતી. મમતાને મળ્યા બાદ કમલનાથે કહ્યું કે તેઓ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની જીત બદલ તૃણમૂલ કોંગ્રેસના વડાને અભિનંદન આપવા માટે આવ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિરોધી પક્ષોના નેતાઓને મળી અને એકતાના સંકેત પણ આપ્યા. તેમણે કહ્યું કે હું આશાવાદી રહીશ. ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જી આવતીકાલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરશે.