બીરભૂમ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળ્યા મમતા બેનર્જી, CM સામે રડવા લાગ્યા પીડિત પરિવાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે બીરભૂમ જિલ્લાના બોગટૂઈ ગામની મુલાકાત લીધી હતી
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે બીરભૂમ જિલ્લાના બોગટૂઈ ગામની મુલાકાત લીધી હતી. બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં થયેલી હિંસામાં 8 લોકોને જીવતા સળગાવી દેવાની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ગુરુવારે બપોરે હિંસામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને મળવા પહોંચ્યા હતા અને તેમની સાથે વાત કરી હતી. મમતા બેનર્જી સાથે વાત કરતા ઘણા પરિવારો રડવા લાગ્યા હતા. મમતાએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું કહી તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
#WATCH | West Bengal CM Mamata Banerjee meets the kin of those killed in #Birbhum violence. Visuals from Bagtui village, Rampurhat pic.twitter.com/iIhSQjLpu8
— ANI (@ANI) March 24, 2022
દરમિયાન મમતાએ કહ્યું કે બહાના નહીં, હું જવાબદાર લોકોની ધરપકડ ઈચ્છું છું. મમતા બેનર્જીએ કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આધુનિક બંગાળમાં આટલી બર્બરતા હોઈ શકે છે. મોટા ષડયંત્રનો આરોપ લગાવતા તેમણે કડક કાર્યવાહીની વાત કરી હતી. પોલીસ તમામ એંગલથી હત્યાના કારણોની તપાસ કરશે.
એક ઉચ્ચ પોલીસ અધિકારીને ફોન કરીને તેમણે કહ્યું કે જે પોલીસકર્મીઓ ફરિયાદોના જવાબમાં બેદરકારી દાખવતા હતા તેમને સજા થવી જોઈએ. ઘટનામાં જેમના ઘર બળી ગયા છે તેમના ઘરના સમારકામ માટે મમતા બેનર્જીએ 1 લાખ આપવાની વાત પણ કરી હતી. સાથે તેમણે પીડિત પરિવારોને નોકરીનું વચન પણ આપ્યું હતું.
નોંધનીય છે કે તૃણમૂલ કોંગ્રેસના નેતા અને બરશાલ ગ્રામ પંચાયતના ઉપાધ્યક્ષ ભાદુ શેખની સોમવારે હત્યા કરવામાં આવી હતી. તેમના પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. ભાદુના મૃત્યુના સમાચાર TMC કાર્યકરો સુધી પહોંચતા જ તેઓ ગુસ્સે થઈ ગયા હતા. આ પછી તેમના સમર્થકોએ શકમંદોના ઘરોમાં આગ લગાવી દીધી હતી. આ આગમાં 8 લોકો જીવતા સળગી ગયા હતા. આ ઘટના પર દુખ વ્યક્ત કરતા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ આરોપીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે.