'રાહુલ ગાંધીના સંપર્કમાં છે ચંદ્રબાબૂ નાયડુ', જગન મોહન રેડ્ડીનો મોટો દાવો
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને YSRCP અધ્યક્ષ વાઈએસ જગન મોહન રેડ્ડીએ બુધવારે (13 ઓગસ્ટ, 2025) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા.

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને YSRCP અધ્યક્ષ વાઈએસ જગન મોહન રેડ્ડીએ બુધવારે (13 ઓગસ્ટ, 2025) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી આંધ્રપ્રદેશમાં મતદાનની ગેરરીતિઓ પર ચર્ચા કરવાનું ટાળી રહ્યા છે અને ફક્ત દિલ્હી અથવા અન્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. રેડ્ડીએ સૂચવ્યું કે મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના માધ્યમ દ્વારા રાહુલ ગાંધીના સંપર્કમાં છે.
રાહુલ ગાંધીના મૌન પર સવાલ
રેડ્ડીએ રાહુલ ગાંધી દ્વારા ચૂંટણીના મુદ્દાઓ પસંદ કરીને ઉઠાવવા પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, "રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલ વિશે કેમ વાત કરતા નથી? કેજરીવાલ પોતે ધારાસભ્ય ચૂંટણી હારી ગયા હતા. રાહુલ ગાંધી આંધ્રપ્રદેશ વિશે કેમ બોલતા નથી ? ચંદ્રાબાબુ નાયડુ રેવંત રેડ્ડીના માધ્યમ દ્વારા તેમના સંપર્કમાં છે. એવામાં રાહુલ ગાંધી વિશે હું શું કહું, જે પોતે પ્રામાણિક નથી."
રેડ્ડીએ મત ગણતરીમાં ખામીઓ પર પણ પ્રકાશ પાડ્યો, ખાસ કરીને આંધ્રપ્રદેશમાં અને કહ્યું કે રાહુલ ગાંધી દિલ્હીમાં મત ચોરી વિશે વાત કરે છે પરંતુ આંધ્રપ્રદેશમાં જાહેર અને ગણાયેલા મતો વચ્ચે 12.5 ટકાનો તફાવત ઉઠાવતા નથી. તેમણે તેને ગંભીર મુદ્દો ગણાવ્યો કારણ કે વાસ્તવિક તફાવત 2.5 ટકા હતો.
રાહુલ ગાંધીએ એક ફિક્શનલ વીડિયો શેર કર્યો હતો
રાહુલ ગાંધીએ તે જ દિવસે X પર એક ફિક્શનલ વીડિયો શેર કર્યો હતો, જેમાં ચૂંટણી પ્રક્રિયાની ટીકા કરવામાં આવી હતી. વીડિયોમાં કથિત રીતે ભાજપના બે માણસો ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મળીને નકલી મતદાન કરતા દર્શાવવામાં આવ્યા હતા. વીડિયોમાં એ પણ દર્શાવવામાં આવ્યું હતું કે 50 વર્ષીય મતદાર 'ગરીબ દાસ' અને તેમની પત્નીને મતદાન કરવાનો અધિકાર મળ્યો નથી કારણ કે તેમના મત પહેલાથી જ કોઈ બીજા દ્વારા આપવામાં આવ્યા હતા. વીડિયોનો અંત એ દ્રશ્ય સાથે થાય છે જેમાં બે માણસો બૂથ લેવલ ઓફિસર સાથે કાવતરું ઘડે છે અને ચૂંટણી પંચને "ઈલેક્શન ચોરી આયોગ" કહીને સંબોધે છે. રાહુલ ગાંધીએ વીડિયો સાથેના એક નિવેદનમાં કહ્યું હતું કે કોઈના મતની ચોરી તેમના અધિકારો અને ઓળખની ચોરી સમાન છે.
જગન મોહન રેડ્ડીએ આ તકે એમ પણ કહ્યું હતું કે આંધ્રપ્રદેશમાં જાહેર અને ગણતરી કરાયેલા મતો વચ્ચેનો તફાવત 12.5 ટકા હતો, જે ચિંતાજનક છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આવા કિસ્સાઓમાં નેતાઓની જવાબદારી છે કે તેઓ લોકોના અધિકારોનું રક્ષણ કરવા માટે અવાજ ઉઠાવે. રેડ્ડીએ રાહુલ ગાંધીના મૌનને શંકાસ્પદ ગણાવ્યું એટલું જ નહીં, પરંતુ તેને લોકશાહી પ્રક્રિયા પ્રત્યે ગંભીર અવગણના પણ ગણાવી.





















