આખરે કેમ પ્રશાંત કિશોરનું કોંગ્રેસમાં જોડાવવાનું શક્ય ના બન્યું, જાણો આ ત્રણ મહત્વના કારણો...
તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાના પ્રસ્તાવનો અસ્વિકાર કર્યો હતો.
તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor) કોંગ્રેસમાં (Congress) જોડાવાના પ્રસ્તાવનો અસ્વિકાર કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે અનેક રાઉન્ડની બેઠકો અને પ્રઝેન્ટેશન બાદ પણ પ્રશાંત કિશોરને કોંગ્રેસની ઓફર પસંદ નથી આવી.
પીકેની કેટલીક દરખાસ્તો અવ્યવહારુ અને તકવાદીઃ
જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પીકે પોતાના માટે કોંગ્રેસમાં કઈ રોલ ઈચ્છતા હતા. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર (1) પીકેની કોંગ્રેસ નેતૃત્વ સાથે કેટલાક મોટા હોદ્દા અંગે વાતચીત થઈ હતી, તેથી માત્ર એક કમિટીના સભ્ય બનાવવાની દરખાસ્ત પીકેને સારી ન લાગી.
(2) કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે સૌથી મોટી સમસ્યા પીકેની કંપની આઈપેકનું ટીઆરએસ જેવી કોંગ્રેસની રાજકીય હરીફ પાર્ટી સાથે કામ કરવું હતું. હાલ પ્રશાંત કિશોરની કંપની આઈપેક TRS માટે કેમ્પેઈનિંગ અને પ્રમોશનનું કામ કરે છે.
(3) આ ઉપરાંત, રાજ્યોમાં ગઠબંધન અંગે પીકેની કેટલીક દરખાસ્તો કોંગ્રેસના નેતાઓ દ્વારા તકવાદી અને અવ્યવહારુ હોવાનું જણાયું હતું. કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ પીકેના હાથમાં ચૂંટણીની કમાન આપવાના નિર્ણયની વિરુદ્ધમાં હતા.
પીકે લાંબા સમયથી કોંગ્રેસ નેતૃત્વના સંપર્કમાં હતાઃ
આપને જણાવી દઈએ કે, તાજેતરની વિધાનસભા ચૂંટણી બાદ પ્રશાંત કિશોરે કોંગ્રેસ નેતૃત્વ સાથે નવેસરથી વાતચીત શરૂ કરી હતી અને પાર્ટીમાં મોટા ફેરફારો અંગે વિગતવાર સૂચનો આપ્યા હતા. ગત વર્ષના મધ્યમાં પણ પીકે કોંગ્રેસ નેતૃત્વના સંપર્કમાં હતા. એવી અટકળો ચાલી રહી હતી કે આ વખતે પીકે કોંગ્રેસમાં જોડાશે અને તેમને મહાસચિવ જેવું મહત્વનું પદ આપીને ચૂંટણીની જવાબદારી સંભાળવા માટે કહેવામાં આવી શકે છે. કારણ કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીકેની રજૂઆતથી પ્રભાવિત હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પીકેએ કોંગ્રેસને લોકસભાની લગભગ 400 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું, અને સંગઠન અને જન સંવાદની રણનીતિમાં મોટા ફેરફારો પણ સૂચવ્યા હતા. આ સિવાય પીકેએ રાજ્યોમાં વિવધ પાર્ટીઓ સાથે ગઠબંધનને લઈને પણ પ્રસ્તાવો મુક્યા હતા.
કોંગ્રેસ દ્વારા ઓફર આપવામાં આવી હતી
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા તરફથી કહેવામાં આવ્યું છે કે, કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા 2024 માટે એક એક્શન ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, પ્રશાંત કિશોરને પણ આ જૂથનો ભાગ બનવા અને તમામ જવાબદારીઓ સંભાળવાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે તેનો ઇનકાર કર્યો હતો. અમે તેમના પ્રયાસો અને પાર્ટીને આપેલા સૂચનોનું સન્માન કરીએ છીએ.